લંડનઃ કોવિડથી સંક્રમિત હોસ્પિટલ પેશન્ટ્સને ડિસ્ચાર્જ કર્યા પછી કેર હોમ્સમાં મોકલી આપવાની સરકારની નીતિ ગેરકાયદે હોવાનો લેન્ડમાર્ક ચુકાદો હાઈ કોર્ટે આપ્યો છે. બે મહિલાએ તેમના પિતાના મોતના પગલે આ નીતિ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી હતી. માર્ચ -એપ્રિલ2020ની આ નીતિના કારણે 286 મોત થયા હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું હતું. મહામારી દરમિયાન કેર હોમ્સમાં હજારો લોકોના મોત નીપજ્યાં હતાં. હાઈ કોર્ટના ચુકાદાના પરિણામે બોરિસ જ્હોન્સને માફી માગવી જોઈએ તેવી માગણી સાંસદોએ કરી હતી.
હેલ્થ સેક્રેટરી અને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ સામેના દાવામાં મૃતકો માઈકલ ગિબ્સન અને ડોનાલ્ડ હેરિસની પુત્રીઓ અનુક્રમે કેથી ગાર્ડનર અને ફે હેરિસને અઆંશતઃ સફળતા પ્રાપ્ત થઈ હતી. કેર હોમ્સની ચોતરફ સુરક્ષાચક્ર લગાવ્યાના તત્કાલીન હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કરેલા વિવાદાસ્પદ દાવાના લગભગ બે વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે. હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પેશન્ટ્સને ડિસ્ચાર્જ કરવાની નીતિ ગેરકાયદે હતી કારણકે વૃદ્ધ અને નિર્બળ રેસિડેન્ટ્સને કોવિડના લક્ષણરહિત સંક્રમણના જોખમને ધ્યાનમાં લેવામાં દેખીતી નિષ્ફળતા હતી. જજીસ, લોર્ડ જસ્ટિસ બીન અને મિ. જસ્ટિસ ગાર્નહામે કહ્યું હતું કે મિ. હેનકોકે કેર હોમ્સમાં આવનારાને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવા જેવા મુદ્દાઓ વિચારમાં લીધા હોવાં અંગે કોઈ પુરાવા નથી. તેમને આ વિચારવાનું કહેવાયું હતું તેના પણ પુરાવા નથી.
ઈન્ટેન્સિવ કેરના કેસીસમાં ધરખમ વધારો થવાના ભયે હેલ્થ વડાઓએ કોવિડ મહામારીની શરૂઆતમાં હજારો પેશન્ટ્સને હોસ્પિટલના વોર્ડ્સમાંથી કેર હોમ્સમાં ખસેડ્યા હતા. પાછળથી ઘણાએ કેર હોમ્સમાં ચેપ ફેલાવ્યો હતો જેના પરિણામે, મોત થયા હતા. એપ્રિલ 10થી જૂન 30, 2020ના ગાળામાં કોવિડ સંબંધિત 13,000થી વધુ મોત નોંધાયા હતા અને સમગ્ર 2020માં કોવિડ સંબંધિત કુલ લગભગ 20,000 મોત નોંધાયા હતા. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના અભ્યાસ મુજબ ઈંગ્લેન્ડના 5,882 કેર હોમ્સમાંથી 97 કેર હોમ્સમાં ફાટી નીકળેલો રોગચાળો હોસ્પિટલ સાથે સંકળાયેલા ચેપના કારણે હતો અને તેના પરિણામે 286 મોત થયા હતા. આશરે 25,000 પેશન્ટ્સને કોવિડ ટેસ્ટ વિના જ કેર હોમ્સમાં ડિસ્ચાર્જ કરાયા હતા.


