લંડનઃ કોવિડ ૧૯ મહામારી પીક પર હતી ત્યારે પોતાના ખર્ચે સારવાર કરાવનારા પાંચસો મિલિયનથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને વર્લ્ડ બેંકે જણાવ્યું હતું. મહામારીને લીધે સમગ્ર વિશ્વમાં હેલ્થ સર્વિસ ખોરવાઈ ગઈ હતી અને ૧૯૩૦ના દાયકાથી અત્યાર સુધીની અતિ ખરાબ આર્થિક કટોકટી સર્જાઈ હતી. તેને લીધે લોકોને હેલ્થકેર માટે નાણાં ચૂકવવાનું ખૂબ મુશ્કેલ બની ગયું હોવાનું બન્ને સંસ્થાઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.
WHOના ડિરેક્ટર – જનરલ ટેડરોસ એધનોમ ગેબ્રેયીસસે જણાવ્યું કે તમામ દેશોએ તેમના તમામ નાગરિકોને આર્થિક પરિણામોના ભય વિના હેલ્થ સર્વિસ મળી શકે તે માટે તાકિદે ફરીથી પ્રયાસો શરૂ કરવા જોઈએ અને તેને વધારવા જોઈએ. તેમણે સરકારોને હેલ્થ કેર સિસ્ટમ પર વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી.
વર્લ્ડ બેંકના ગ્લોબલ ડિરેક્ટર ફોર હેલ્થ, ન્યૂટ્રિશન એન્ડ પોપ્યુલેશન જુઆન પાબ્લો યુરીબે જણાવ્યું કે સરકારોએ નાણાંકીય તંગી વચ્ચે પણ હેલ્થ બજેટ્સને સુરક્ષિત રાખવા અને વધારવાની પસંદગી કરવાની રહેશે. આ કટોકટીને લીધે ભારતમાં દૈનિક બે ડોલર અથવા તેથી ઓછી આવક ધરાવતા ગરીબોની સંખ્યામાં ૭૫ મિલિયન સુધીનો વધારો થયો હતો.

