લંડનઃ કોરોના મહામારી દરમિયાન વેપાર-ઉદ્યોગને જારી કરાયેલી લોન મેળવવામાં છેતરપિંડીના આરોપસર એક કન્સ્ટ્રક્શન કંપનીના ડિરેક્ટરને જેલની સજા કરાઇ છે. નાઇટ વર્કર્સ લિમિટેડના 31 વર્ષીય આરતી ડેડાએ વર્ષ 2020માં 50,000 પાઉન્ડની બે બાઉન્સબેક લોન પ્રાપ્ત કરી હતી. તે સમયે કંપનીઓને એક જ લોન આપવામાં આવતી હતી.
ઇનસોલ્વન્સી સર્વિસે જણાવ્યું હતું કે, સ્કીમની શરતો અનુસાર તેમની કંપનીએ આર્થિક લાભ માટે આ લોનનો ઉપયોગ કર્યો નહોતો. રીડિંગ ક્રાઇન કોર્ટ દ્વારા સ્લાઉના ડેડાને અઢી વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.
ડેડાએ ક્રિમિનલ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા અને કંપની લોના ઉલ્લંઘનના આરોપો સ્વીકારી લીધા હતા. ડેડાને 10 વર્ષ માટે કંપનીના ડિરેક્ટરપદ માટે પણ ગેરલાયક ઠરાવી દેવાયા છે.
ચીફ ઇન્વેસ્ટિગેટર ડેવિડ સ્નેસડેલે જણાવ્યું હતું કે, ડેડાને ફટકારાયેલી સજા કોરોના સંબંધિત ફ્રોડની ગંભીરતા દર્શાવે છે. બાઉન્સ બેક લોન નાના અને મધ્યમ વેપારધંધાને મદદ કરવા માટે હતી. કંપનીના ડિરેક્ટરો કરદાતાના નાણાનો અંગત હેતૂઓ માટે ઉપયોગ કરી શકે નહીં.