લંડનઃ યુકે સરકારને કોવિડ ઈમર્જન્સી લોન્સ યોજનાઓમાં ફ્રોડ અને ભૂલોના કારણે 16 બિલિયન પાઉન્ડની ખોટ ગઈ હોવાનું પાર્લામેન્ટ સ્પેન્ડિંગ વોચડોગ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીનું માનવું છે. કમિટીએ ટ્રેઝરી વિભાગને ખોટ અને કેટલી રકમ પરત મેળવી શકાશે તેના અંદાજ જણાવવા કહ્યું છે. કમિટીએ આટલી જંગી ખોટને અસ્વીકાર્ય ગણાવી હતી.
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના રિપોર્ટમાં દરેક યોજના સંબંધિત ફ્રોડ અને ભૂલોના કારણે કેટવું નુકસાન થયું તેના અંદાજ આ વર્ષના અંત સુધીમાં રજુ કરવા ટ્રેઝરી વિભાગને જણાવાયું છે. સરકારે કોરોના વાઈરસ મહામારીમાં લોકડાઉન નિયંત્રણોથી અસરગ્રસ્ત લોકો અને કંપનીઓને નાણાકીય સપોર્ટ તરીકે 129 બિલિયન પાઉન્ડને ગેરન્ટી અથવા લોન્સ પૂરી પાડી હતી. જોકે, આ યોજનાઓમાં ફ્રોડ થઈ શકે તેવી ચેતવણી મિનિસ્ટર્સને શરૂઆતમાં જ અપાઈ હતી.
ફર્લો પર રખાયેલા વર્કર્સ માટે કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ (CJRS), નાની કંપનીઓ માટે બાઉન્સ બેક લોન્સ સ્કીમ (BBLS) તેમજ મધ્યમ કદની કંપની-બિઝનેસીસ માટે કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CBILS) સહિતની યોજનાઓમાં મોટા પાયે છેતરપિંડી આચરાઈ હોવાનું ક્રાઈન અને બેન્કરપ્સી એજન્સીઓને જણાયું હતું. સરકારી વિભાગોના વાર્ષિક રિપોર્ટ્સમાં ફ્રોડ અને ભૂલોનાં લીધે સરેરાશ 15.7 બિલિયન પાઉન્ડનું નુકસાન ગયાનું દર્શાવાયું હતું. ફર્લો અને BBLS સ્કીમ્સમાં અનુક્રમે 5.3 બિલિયન અને 4.9 બિલિયન પાઉન્ડનું નુકસાન ગયાનું મનાય છે. લોકો અને બિઝનેસીસ અપાયેલી લોન્સ પરત કરી શકે તેમ ન હોય તેવી સ્થિતિમાં સરકારે 21 બિલિયન પાઉન્ડ્સની લોન્સ માંડવાણ કરવી પડશે તેમ પણ મનાય છે.
યુકેના તમામ કોવિડ-19 રિસ્પોન્સીસ પાછળ 370 બિલિયન પાઉન્ડ ખર્ચાવાની ધારણા છે જેમાંથી સપ્ટેમ્બર 2021 સુધીમાં 260 બિલિયન પાઉન્ડ ખર્ચાયા છે.