લંડનઃ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર માટે સાવધાન થઈ જવાનો સમય આવ્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ જુલાઈ ૨૦૨૦ પછી પહેલી વખત લેબર પાર્ટી પર સૌથી મોટી ૭ પોઈન્ટની સરસાઈ હાંસલ કરી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની લોકપ્રિયતામાં લોકોને કોરોના વાઈરસ વેક્સિન આપવાનો બહુ મોટો ફાળો રહ્યો છે. ઓબ્ઝર્વર માટે ઓપિનિયમ દ્વારા ૨૫-૨૬ ફેબ્રુઆરીએ ૨૦૦૩ વ્યક્તિનો ઓનલાઈન મત મેળવાયો હતો.
કન્ઝર્વેટિવ પાર્ટીએ ગત ઉનાળા પછી લેબર પાર્ટી પર સૌથી વધુ સરસાઈ હાંસલ કરી છે જેમાં કોરોના વેક્સિનના કારણે વડા પ્રધાન જ્હોન્સનની વધેલી લોકપ્રિયતાનો મોટો ફાળો છે. કોરોના મહામારીના એક વર્ષ પછી ટોરીઝને લેબર પાર્ટી પર સાત પોઈન્ટની સરસાઈ મળી છે જે પખવાડિયા અગાઉ કરતાં પાંચ પોઈન્ટ વધુ છે. કન્ઝર્વેટિવ્ઝને ૪૩ ટકા અને લેબરને ૩૬ ટકા મત મળ્યા હતા. સરકારે કોરાના મહામારીને છેલ્લો તબક્કો જે રીતે હાથ ધર્યો અને લોકડાઉનમાંથી બહાર આવવા રોડમેપ જાહેર કર્યો તેનાથી લોકોના સમર્થનમાં વધારો જોવા મળ્યો છે. બજેટના સપ્તાહમાં લેવાયલું મતદાન દર્શાવે છે કે આર્થિક વિશ્વાસના સંદર્ભમાં ટોરીઝને લેબર પર સ્પષ્ટ સરસાઈ મળી છે. બે પંચમાંશ લોકો (૩૯ ટકા)એ જણાવ્યું હતું કે અર્થતંત્ર બાબતે તેઓ વડા પ્રધાન જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાક પર ભરોસો ધરાવે છે જ્યારે ૨૫ ટકાએ કેર સ્ટાર્મર અને શેડો ચાન્સેલર એનલીઝ ડોડ્સ પર વિશ્વાસ મૂક્યો છે.
ઓપિનિયમ પોલ જનમત બદલાઈ રહ્યો હોવાનું સૂચવે છે. બોરિસ સરકારે કોવિડ સમસ્યા જે રીતે હાથ ધરી તેને લોકોએ બહાલી આપી છે. હાલ ૩૬ ટકા લોકો સરકારની કામગીરીની તરફેણ કરે છે જે ૩ પોઈન્ટનો વધારો સૂચવે છે. બીજી તરફ, ૪૫ ટકા વિરોધમાં છે. ઈંગ્લેન્ડમાં લોકડાઉન નિયંત્રણો હળવા કરવા બાબતે ૪૭ ટકાએ સરકારના રોડમેપને યોગ્ય ઠરાવ્યો છે જ્યારે, ૩૧ ટકાએ વધુ ઉતાવળિયો અને ૧૨ ટકાએ અતિશય ધીમો ગણાવ્યો છે.
શ્રેષ્ઠ વડા પ્રધાન કોણ બની શકે તે મુદ્દે ૩૩ ટકાએ જ્હોન્સનને સમર્થન આપ્યું છે જ્યારે ૨૫ ટકાએ સ્ટાર્મરની તરફેણ કરી છે. સ્ટાર્મરનું રેટિંગ ૧૫ દિવસ અગાઉ કરતાં બે પોઈન્ટ ઘટ્યું છે.


