કોવિડ વેક્સિન્સથી અનેક જિંદગીઓ બચીઃ હોસ્પિટલ્સમાં એડમિશન અટક્યાં

Wednesday 19th May 2021 06:19 EDT
 
 

લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના અભ્યાસમાં દાવો કરાયો છે કે કોવિડ વેક્સિન્સથી અત્યાર સુધી ૧૨,૦૦૦ જિંદગીઓ બચવા ઉપરાંત, ૩૩,૦૦૦ લોકોને હોસ્પિટલ્સમાં એડમિટ થવાનું અટક્યું હતું. નિષ્ણાતોએ વેક્સિન નહિની સ્થિતિનો અંદાજ લગાવવા યુકેમાં વાસ્તવિક મૃત્યુની સરખામણીઓ કરી હતી. વિજ્ઞાનીઓના કહેવા અનુસાર વેક્સિન્સ કોરોના કેસીસ અને મૃત્યુ વચ્ચેની કડી તોડી રહ્યા છે.

PHEના અભ્યાસમાં જણાવાયું છે કે કોરોના વેક્સિને ડિસેમ્બરથી એપ્રિલના ગાળામાં ૬૦ અને તેથી વધુ વયના લોકોમાં ઓછામાં ઓછાં, ૧૧,૭૦૦ લોકોની જિંદગી બચાવી છે જેમાં, ૮૦ અને તેથી વધુ વયના ૯,૯૦૦ અને ૭૦ -૭૯ વયજૂથમાં ૧૫૦૦ તેમજ ૬૦ -૬૯ વયજૂથમાં ૩૦૦ લોકોનો સમાવેશ થયો હતો. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે મુશ્કેલ અને આઘાતજનક વર્ષ પછી આ આંકડાઓને અદ્ભૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ઘણા ઓછાં મહિનાઓમાં કોરોના વેક્સિન્સે ૧૧,૭૦૦થી વધુ લોકોની જિંદગી બચાવી અને ૩૩,૦૦૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ થવામાંથી બચાવ્યા છે.

સંશોધનમાં જો વેક્સિન્સ પ્રાપ્ત ન થયા હોત તો જેટલા લોકોના મોત થઈ શક્યા હોત તેની વાસ્તવિક મૃત્યુ સાથે સરખામણી કરવામાં આવી હતી. આ જ સમયગાળામાં ૩૩,૦૦૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું નહિ જેમાં, ૬૫-૭૪ વયજૂથના ૩,૯૦૦, ૭૫ -૮૪ વયજૂથમાં ૧૩,૧૦૦ તેમજ ૮૫ અને વધુ વયના ૧૬,૦૦૦ લોકોનો સમાવેશ થયો હતો. ઈમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા સરકાર વતી કરાયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે, વેક્સિનેશનના કારણે એપ્રિલ મહિનામાં ૫૫થી વધુ વયના લોકોમાં સંક્રમણદર ઘટી ગયો હતો તેમજ હોસ્પિટલમાં એડમિશન્સ અને મૃત્યુ વચ્ચેની કડી તૂટી હતી. REACT સર્વે મુજબમાર્ચ અને એપ્રિલના ગાળા વચ્ચે સંક્રમણ ૫૦ ટકા ઘટ્યું હતું અને લાખો લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી ૫૫-૬૪ વયજૂથના લોકોમાં સંક્રમણ બે તૃતીઆંશ જેટલું ઘટ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter