કોવિડ સંક્રમિતોને ઘેર રહેવા પ્રતિ દિનના £૧૩ ચૂકવાશે

Tuesday 01st September 2020 11:52 EDT
 

લંડનઃ કોરોના વાઈરસનો સામનો કરવા ઘરમાં એકાંતવાસનો આદેશ કરાયેલા બ્રિટિશરોને પ્રતિ દિવસ ૧૩ પાઉન્ડના હિસાબે ૧૮૨ પાઉન્ડ સુધીની ચૂકવણી કરવામાં આવનાર છે. આ નાણા સંક્રમણનો ઊંચો દર છે તેવા વિસ્તારોમાં ચૂકવાશે. આ યોજના  ક્લીનર્સ સહિત ઓછી કમાણી કે વેતન ધરાવનારા લોકો માટે લાગુ કરાશે.

કેટલાક લોકો અથવા પરિવારના સભ્યો કોવિડ-૧૯થી પોઝિટિવ હોવાં છતાં કામ પર જવા લાગશે તેની ચિંતા સાથે મિનિસ્ટર્સે લોકોને ઘેર જ રહેવા પ્રોત્સાહિત કરવા સરકારી સહાય તરીકે ૧૮૨ પાઉન્ડ સુધીની ચૂકવણી કરવા નિર્ણય લીધો છે. આ નાણા નોર્થ વેસ્ટ અને મિડલેન્ડ્સમાં સંક્રમણનો ઉચો દર ધરાવતા વિસ્તારોમાં યુનિવર્સલ ક્રેડિટ અથવા વર્કિંગ ટેક્સ ક્રેડિટ મેળવતા ક્લીનર્સ અને ફેક્ટરી વર્કર્સ સહિત ઓછું વેતન મેળવનારા તેમજ ટેક્સી અને ડિલિવરી ડ્રાઈવર્સ જેવા સ્વરોજગારી લોકોને અપાશે. આવા લોકો ઘેર બેસીને કામ કરી શકે તેમ નથી હોતા.

સત્તાવાળા માને છે કે લેસ્ટરમાં ફેક્ટરીના સ્ટાફને ઘરમાં એકાંતવાસ સેવવાનો હોવાં છતાં તેઓ કામ પર જતા હોવાથી ત્યાં સંક્રમણનો દર ઊંચો રહ્યો હતો. આ નવી યોજના હેઠળ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવેલા વર્કર્સને ૧૦ દિવસના ક્વોરેન્ટાઈન ગાળા માટે ૧૩૦ પાઉન્ડ અપાશે. સગાંસંબંધી કે ગાઢ સંપર્કમાં રહેનારાને ૧૪ દિવસના ક્વોરેન્ટાઈન માટે ૧૮૨ પાઉન્ડ અપાશે. આ યોજના દેશમાં સૌથી ઊંચો સંક્રમણદર ધરાવતા લેન્કેશાયરના બ્લેકબર્ન એન્ડ પેન્ડલ તેમજ ગ્રેટર માન્ચેસ્ટરમાં ઓલ્ધામમાં લાગુ કરાશે. યોજનાને સફળતા મળ્યા પછી તેને બર્મિંગહામ, માન્ચેસ્ટર, બ્રેડફોર્ડ અને નોર્ધમ્પ્ટન સહિતના વિસ્તારોમાં પણ લાગુ કરાશે.

વર્કર્સને ક્લેઈમ કર્યાના ૪૮ કલાકમાં નાણા ચૂકવાશે. ક્લેઈમમાં કોવિડ-૧૯ પોઝિટિવ હોવાનો પુરાવો અથવા વાઈરસથી પોઝિટિવ વ્યક્તિના નિકટ સંપર્કમાં હોવાના પુરાવા આપવાના રહેશે. અરજદારોએ તેઓ સંબંધિત બેનિફિટ્સ મેળવે છે તે દર્શાવવા બેન્ક સ્ટેટમેન્ટ પણ રજૂ કરવાના રહેશે. સરકારના સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમર્જન્સી - SAGE દ્વારા અગાઉ ચેતવણી અપાઈ હતી કે વાઈરસ હોવાની શંકા ધરાવતા અડધા જેટલા પેશન્ટ્સ જ સ્વ-એકાંતવાસની સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter