કોવિડ-૧૯ એન્ટિવાઈરલ પિલને મંજૂરી

Wednesday 17th November 2021 04:48 EST
 
 

લંડનઃ વિશ્વમાં સૌપ્રથમ યુકે દ્વારા કોવિડ-૧૯ એન્ટિવાઈરલ પિલને મંજૂરી અપાઈ છે. હાલ ૧૮ કે તેથી વધુ વયના અને કોરોનાના જોખમી બની શકે તેવા ઓછામાં ઓછાં એક લક્ષણ ધરાવતા સંક્રમિત લોકોને જ આ ટેબ્લેટનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે. ફાર્મા કંપની ‘મર્ક’ દ્વારા વિકસાવાયેલી પિલનું નામ ‘મોલ્નુપિરાવિર-Molnupiravir’ છે. કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા પેશન્ટે દિવસમાં બે વખત એન્ટીવાઈરલ પિલ લેવી પડશે. આ ટેબ્લેટ કોરોનાના લક્ષણોને દબાવી પેશન્ટને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે.

વિશ્વભરમાં કોરોના વાઈરસને ખતમ કરવા માટે વેક્સિન્સ પછી દવાઓના ઉત્પાદનના સંશોધનો ચાલે છે. બ્રિટને કોવિડ-૧૯ની સારવારમાં મદદરૂપ થાય તેવી વિશ્વની પ્રથમ એન્ટીવાયરલ ટેબ્લેટને શરતોને આધીન ઉપયોગની સૌપ્રથમ મંજૂરી આપી છે. બ્રિટનની મેડિસીન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટર એજન્સી (MHRA)એ કોવિડ-૧૯ના હળવાંથી મધ્યમ લક્ષણો ધરાવતા તેમજ ગંભીર બિમારી સર્જવામાં સ્થૂળતા, વૃદ્ધાવસ્થા, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવાં ઓછામાં ઓછાં એક પરિબળ સાથેના લોકોમાં મોલ્નુપિરાવિરના ઉપયોગની ભલામણ કરી છે.

પોઝિટિવ કોવિડ-૧૯ ટેસ્ટ પછી તરત અને લક્ષણો દેખાયાના પાંચ દિવસમાં જ તેનો ઉપયોગ કરી શકાશે. બ્રિટનમાં આ પિલનું બ્રાન્ડનેમ લાગેવરીઓ-Lagevrio રહેશે અને દિવસની બે ગોળી પાંચ દિવસ માટે લેવાની રહેશે. યુકે અને NHS દ્વારા આ દવાના ઉપયોગ બાબતે ટુંક સમયમાં જ વ્યવસ્થાનો નિર્ણય લેવાશે. બ્રિટને ગયા મહિને જ યુએસસ્થિત ફાર્મા કંપની મર્ક એન્ડ કંપની ઈન્ક. (MRK.N) અને રિજબેક બાયોથેરાપ્યુટિક્સ દ્વારા સંયુક્તપણે વિકસાવાયેલી મોલ્નુપિરાવિરના ૪૮૦,૦૦૦ કોર્સીસ મેળવવા મર્ક સાથે સોદો કર્યો છે.

કોરોનાથી વણસી રહેલી સ્થિતિ અને હોસ્પિટલો પર ભારણ ઓછું કરવા અને વિકાસશીલ દેશોમાં સંક્રમણ પર કાબૂ મેળવવામાં આ ટેબ્લેટ મદદગાર થઈ શકે તેમ મનાય છે. બ્રિટન દ્વારા મંજૂરીના પગલે હવે અમેરિકા, યુરોપ સહિત અન્ય કેટલાક દેશોમાં ડ્રગ્સ કંટ્રોલર આ દવાની સમીક્ષા કરી રહ્યાં છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલર ઓથોરિટીએ આ ગોળીની સુરક્ષા અને તેની અસર વિશે વિસ્તૃત સમીક્ષા કરવા માટે નવેમ્બરના અંતમાં પેનલ બેઠક બોલાવવાની જાહેરાત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter