લંડનઃ NHS દ્વારા કોવિડ-૧૯ના પેશન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું ત્યારે મોટા ભાગની સામાન્ય સારસંભાળ સસ્પેન્ડ કરવામાં આવી હતી. કેન્સર રિસર્ચ યુકેના સર્વે અનુસાર ૧૦માંથી આશરે ૩ કેન્સર પેશન્ટની સારવાર ખોરવાઈ ગઈ હતી. અગાઉના ૮૪ ટકા પેશન્ટ્સની સરખામણીએ માત્ર ૬૦ ટકાએ પોતાની સંભાળ સારી રીતે લેવાઈ હોવાનું જણાવ્યું હતું.
મહામારી દરમિયાન સમગ્રતયા ૨૯ ટકા કેન્સર પેશન્ટ્સના ટેસ્ટ, પ્રોસીજર્સ અથવા એપોઈન્ટમેન્ટ વિલંબમાં મૂકાયા, રદ કરાયા અથવા બદલાયા હતા. કેટલાક પેશન્ટે જણાવ્યું હતું કે NHSનું ધ્યાન દ્વારા કોવિડ-૧૯ના ગંભીરપણે બીમાર પેશન્ટ્સની સારવાર પર કેન્દ્રિત હોવાથી તેમને ભૂલાવી દેવાયાની લાગણી થઈ હતી. ૬૭ ટકા કેન્સર પેશન્ટ વધુ નિરાશ થઈ ગયા હતા અને ૬૨ ટકાને મહામારીના કારણે વધુ ચિંતા અનુભવાઈ હતી.
કોવિડ મહામારી અગાઉ, ૮૪ ટકા પેશન્ટે પોતાની સારી સારસંભાળ લેવાતી હોવાનું જણાવ્યું હતું પરંતુ, આ આંકડો ઘટીને ૬૦ ટકા થઈ ગયો હતો. આ જ પ્રમાણે, પોતાની સારવારને ‘સરેરાશથી નીચે’ ગણાવનારા પેશન્ટ્સની સંખ્યા બે ટકા ઓછાથી વધીને ૧૦ ટકા અને ‘સરેરાશ’ ગણાવનારાની સંખ્યા ૫ ટકાથી વધીને ૧૧ ટકા થઈ હતી. જોકે, ૮૯ ટકા પેશન્ટે હોસ્પિટલોએ તેમની સારવાર કોવિડના જોખમથી સલામત સ્થળોએ કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમજ ૭૫ ટકાએ ઘરમાં અને કોમ્યુનિટીમાં મળેલી સારવારને વખાણી હતી. કેન્સર રિસર્ચ યુકે દ્વારા ડિસેમ્બર અને માર્ચ મહિનાની વચ્ચે ૯૦૦ કેન્સર પેશન્ટનો સર્વે કરાયો હતો.