કોવિડના નવા નિયંત્રણો નહિ, પ્લાન બી નિયંત્રણો યથાવતઃ બોરિસની જાહેરાત

Tuesday 04th January 2022 05:53 EST
 
 

લંડનઃ યુકેમાં કોરોના સંક્રમિતોની દૈનિક સંખ્યા ૨૧૮,૦૦૦ના નવા વિક્રમે પહોંચી છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નવા વર્ષમાં કોવિડલક્ષી નવા કોઈ નિયંત્રણો નહિ લદાય તેવી સ્પષ્ટતા કરવા સાથે કોવિડ આઈસોલેશન સમયગાળો પાંચ દિવસનો કરવાની માગણીને ફગાવી દીધી હતી. તેમણે પ્લાન બી નિયંત્રણો યથાવત રાખવાની સાથે જ નવા ઓમિક્રોન વેરિએન્ટના મોજાંમાથી દેશ ઝડપથી બહાર આવી જશે તેવી આશા વ્યક્ત કરી હતી અને NHSને યુદ્ધના ધોરણે કાર્યરત બનાવી હતી. ગત સપ્તાહની સરખામણીએ ૫૮ ટકાના વધારા સાથે મંગળવારે સંક્રમિત કેસીસની સંખ્યા પહેલી વખત ૨૦૦,૦૦૦ના આંકડાને પાર કરી ગઈ હતી.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેની પત્રકાર પરિષદમાં નવા કોરોના નિયંત્રણો નહિ લદાય તેવી ખાતરી ઉચ્ચારતા હાશકારો વ્યાપી ગયો છે. જોકે, તેમણે આગામી થોડાં સપ્તાહો તોફાની નીવડશે તેવી ચેતવણી આપવા સાથે હૈયાધારણ આપી હતી કે આપણે ઓમિક્રોનના મોજાંને પાર કરી જઈશું. વડા પ્રધાને કહ્યું હતું કે પ્લાન બીના નિયંત્રણો યથાવત રહે તેવી ભલામણ તેઓ કેબિનેટને કરશે.

જ્હોન્સને ભારપૂર્વક કહ્યું હતું કે ‘NHSને યુદ્ધના ધોરણે કાર્ય કરી રહી છે અને દૈનિક કેસીસ ૨૧૮,૦૦૦ના નવા વિક્રમે પહોંચ્યા છે છતાં, દેશને ફરી બંધ કરવાની આવશ્યકતા જણાતી નથી. દેશને ફરી બંધ કર્યા વિના જ ઓમિક્રોનની લહેરમાંથી તરીને નીકળી જવાની તક આપણી પાસે છે.’ તેમણે કહ્યું હતું કે આપણે સ્કૂલો અને બિજનેસ ખુલ્લાં રાકીશું અને વાઈરસની સાથે જ જીવવાનો માર્ગ શોધી લઈશું. ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટીએ પણ સમર્થન આપતા કહ્યું હતું કે મૃત્યુદરમાં ઉછાળાના કોઈ લક્ષણો નથી અને બૂસ્ટર ડોઝીસથી હોસ્પિટલમાં સારવાર સામે ૮૮ ટકા જેટલું રક્ષણ મળે છે.

જોકે, વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે કશાને નકારી કાઢતા નથી અને ઓમિક્રોન કેટલી ઝડપથી ઉછળે છે તેના પર ઘણો બધો આધાર રાખે છે. તેમણે લોકોને પ્લાન બી નિયંત્રણોનો સંપૂર્ણ અમલ કરવા અને અન્ય લોકો સાથે જવાબદારીપૂર્ણ વર્તન કરવા તેમજ વેક્સિનના બૂસ્ટર ડોઝ લઈ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.

અગાઉના કોરોના વેરિએન્ટ્સની સરખામણીએ ઓમિક્રોન વેરિએન્ટ ઘણો હળવો છે ત્યારે સમગ્ર દેશ અટકી પડ્યાની હાલતમાં છે તે બાબતે રોષ પ્રવર્તી રહ્યો છે. ટોરી સાંસદ ક્રેગ મેકકિન્લેએ જણાવ્યું હતું કે દેશમાં સેમી લોકડાઉનની સ્થિતિ છે અને એક મિલિયન બ્રિટિશરો હાલ સેલ્ફ આઈસોલેશનમાં છે. આઈસોલેશનનો સમયગાળો એક સપ્તાહથી ઘટાડી પાંચ દિવસનો કરવાથી લોકોની પીડા ઓછી થશે તેવી માગણી તેમણે કરી હતી. જોકે, વડા પ્રધાને આ સમયગાળો ઘટાડવાની માગણી ફગાવી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter