કોવિડના લીધે ગેટવિક ઈમિગ્રેશન ડિટેન્શન સેન્ટર કામચલાઉ બંધ

Tuesday 19th January 2021 14:54 EST
 

લંડનઃ ગેટવિક ઈમિગ્રેશન ડિટેન્શન સેન્ટરના સ્ટાફમાંથી કેટલાંક સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં સેન્ટર હંગામી ધોરણે બંધ કરાયું હતું. હોમ ઓફિસે જણાવ્યું કે વેસ્ટ સસેક્સમાં ગેટવિક એરપોર્ટ નજીક આવેલું બ્રુક હાઉસ દસ દિવસ માટે બંધ કરાયું છે. ખૂબ ઓછી સંખ્યાના અટકાયત હેઠળના લોકોને હીથ્રો નજીકના કોનબ્રુક ઈમિગ્રેશન રિમુવલ સેન્ટરમાં ખસેડાયા છે.

ડિટેન્શન સેન્ટરમાં રખાયેલા દરેકની નર્સ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેમના કોવિડ ટેસ્ટ માટે કહેવાયું છે. તેમને ફેસ માસ્ક પણ અપાયા છે. સ્ટાફ માટે આ તમામ તકેદારી ફરજિયાત છે. ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટાફ અને અટકાયત હેઠળના કેટલાં લોકોને કોરોનાની અસર થઈ છે તે જણાવાયું ન હતું. પરંતુ, તે સંખ્યા ખૂબ ઓછી હોવાનું કહેવાયું હતું.

ગયા મહિને ગાર્ડિયનમાં જણાવાયું હતું કે કોવિડ -૧૯ મહામારીને લીધે બ્રુક હાઉસની ત્રણ વિંગ લોકડાઉનમાં હતી. ઈમિગ્રેશન રિમુવલ સેન્ટર ખાતે કોરોનાના ૧૭ કન્ફર્મ કેસ હોવાનું મનાય છે. સેન્ટરનું સંચાલન કરતા હોમ ઓફિસના કોન્ટ્રાક્ટર સર્કોએ આપેલી નોટિસ અટકાયતીઓને તેમના રૂમમાં અપાઈ હતી. આ નોટિસમાં તેમને રૂમની અંદર જ રહેવા જણાવાયું હતું.

૨૦૧૭માં BBC’s Panorama પ્રોગ્રામમાં સેન્ટરમાં ઓફિસરો દ્વારા અટકાયતીઓ પર કથિત હુમલા, તેમનું અપમાન અને અપશબ્દો બોલતા હોવાનું દર્શાવતા અંડરકવર ફૂટેજ પ્રસારિત થયા હતા. આ પ્રસારણ પછી G4S સ્ટાફના ૧૪ સભ્યોને બરતરફ કરાયા હતા અથવા તેમણે રાજીનામુ આપ્યું હતું. હોમ ઓફિસે પ્રિઝન્સ એન્ડ પ્રોબેશન ઓમ્બુડ્સમેનને ઘટનાની તપાસ કરવા જણાવ્યું હતું. કાનૂની કાર્યવાહીને લીધે તપાસ પેન્ડિંગ રખાઈ હતી. ૨૦૧૯માં ઈન્સ્પેક્ટરોએ કોઈનું અપમાન ન થયું હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter