કોવિડની અસરઃ ૨૦૨૦માં હાઈ સ્ટ્રીટે ૧૭૭,૦૦૦ નોકરીઓ ગુમાવી

Wednesday 13th January 2021 04:55 EST
 
 

લંડનઃ યુકેના શોપિંગ લેન્ડસ્કેપ પર કોરોના વાઈરસ મહામારીની નાટ્યાત્મક અને કાયમી અસર જોવા મળી છે. સેન્ટર ફોર રીટેઈલ રિસર્ચ (CRR)ના તાજા અભ્યાસ અનુસાર વર્ષ ૨૦૨૦માં યુકેના સૌથી મોટા ખાનગી એમ્પ્લોયમેન્ટ સેક્ટર હાઈ સ્ટ્રીટ્સની ૧૭૭,૦૦૦ નોકરીઓ ગુમાવવી પડી હતી અને નવા વર્ષમાં હજુ પણ વધુ ૨૦૦,૦૦૦ નોકરીઓ ગુમાવવી પડે તેવો અંદાજ મૂકાયો છે. આંકડા અનુસાર ગત વર્ષમાં દર સપ્તાહે ૩,૪૦૦ નોકરીનું નુકસાન ગયું હતું.

સેન્ટર ફોર રીટેઈલ રિસર્ચ અનુસાર ગત ૨૫ વર્ષમાં યુકેની હાઈ સ્ટ્રીટ માટે ૨૦૨૦નું વર્ષ ભારે નુકસાનકારક રહ્યું અને હાઈ પ્રોફાઈલ ડેબેનહામ્સ અને સર ફિલિપ ગ્રીનના અર્કાડીઆ ગ્રૂપને શટર પાડવાની ફરજ પડી હતી. આશરે ૧૫,૭૦૦ સ્ટોર્સ કાયમ માટે બંધ થઈ જવા સાથે સેન્ટર દ્વારા આગાહી કરાઈ છે કે ૨૦૨૧માં વધુ ૨૦૦,૦૦૦ નોકરીઓ ગુમાવવાની થશે. આ માટે લોકડાઉન્સના કારણે ઓનલાઈન ખરીદારી તરફનો વધેલો ઝોક કારણભૂત હોવાનું પણ જણાવાયું છે.

વર્ષ ૨૦૨૦માં બંધ પડેલા રીટેઈલર્સ માટે કામ કરનારા અડધોઅડધ વર્કર્સે નોકરીઓ ગુમાવી હતી જે ૨૦૦૮ની નાણાકીય કટોકટીથી સર્જાયેલી મંદી કરતાં પણ વધુ હતી. ૨૦૦૮માં ત્રીજા ભાગના વર્કર્સે નોકરીઓ ગુમાવી હતી. હાઈ સ્ટ્રીટ દ્વારા સેલ્સ આસિસ્ટન્ટ અને ચેકઆઉટ ઓપરેટર્સ જેવી નોકરીઓ નાબૂદ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ નોકરીઓમાં મહિલાઓનું પ્રમાણ વધારે રહે છે.

ગયા વર્ષે સેઈન્સબરીઝ, માર્ક એન્ડ સ્પેન્સર, બૂટ્સ અને જ્હોન લેવી સહિતના મુખ્ય સ્ટોર્સ ગ્રૂપ્સ દ્વારા નોકરીઓમાં ભારે કાપની જાહેરાત કરાઈ હતી. અત્યારે પણ લોકડાઉનની હાલતમાં સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં બીનજરૂરી ચીજવસ્તુઓના રીટેઈલ સ્ટોર્સ બંધ કરી દેવાયા છે. ઈંગ્લેન્ડમાં ટિયર ૪ના નિયંત્રણોએ બે તૃતીઆંશ સ્ટોર્સ બંધ કરવાની ફરજ પડી હતી. આવી રીતે બંધ કરાયેલા સેંકડો સ્ટોર્સ ફરી ખુલે જ નહિ તેવી શક્યતા વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter