કોવિડને લીધે દુનિયાભરમાં ફ્લૂ નાબૂદ થયો ?

Tuesday 03rd November 2020 13:45 EST
 
 

લંડનઃ આ વિન્ટરમાં દુઃસ્વપ્ન જેવી પરિસ્થિતિ ઉભી થશે જેમાં હેલ્થ સર્વિસને ફ્લૂ અને કોવિડ-૧૯ એમ બે રોગો સામે ઝઝૂમવું પડશે તેવી દહેશત હતી. દર વર્ષે ફ્લૂથી ૧૦,૦૦૦ બ્રિટિશરો મૃત્યુ પામે છે. ચિંતા એટલી બધી હતી કે સરકારે બ્રિટિશ ઈતિહાસમાં સૌથી મોટા ફ્લૂ વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત કરી દીધી.

આ વર્ષે સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ એટલે કે ૩૦ મિલિયન લોકો અને હાલ ૫૦થી વધુની વયના તમામ લોકો જેબ લેવાને પાત્ર ગણાય છે. ૬૫થી વધુની વયના તેમજ બાળકોમાં વેક્સિન લેવાનું પ્રમાણ પણ અત્યાર સુધીનું સૌથી વધારે રહ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.

જોકે, હાલ તો ઉત્સુકતા જન્માવે તેવી એક જ વાત છે અને તે એ કે ફ્લૂ સાવ ગાયબ થઈ ગયો હોય તેવું લાગે છે.

ગયા માર્ચમાં ફ્લૂની સિઝનના અંતે કોવિડ -૧૯નું સંક્રમણ ફેલાવા લાગ્યું ત્યારથી ફ્લૂની નાબૂદીની શૂઆત થઈ. તેનો દર ખૂબ ઝડપથી કેવી રીતે ઘટવા લાગ્યો તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા એકત્ર કરાયેલા સર્વેલન્સ ડેટા પરથી જાણી શકાશે.

સધર્ન હેમ્પશાયરમાં સમરના મહિનાઓમાં ફ્લૂ જોવા મળે છે. જોકે, WHOના ડેટા મુજબ આ વખતે ત્યાં ફ્લૂ દેખાયો જ ન હતો.

યુકેમાં માર્ચમાં ફ્લૂની સિઝન શરૂ થઈ હતી. પરંતુ, તે સમયે જ કોવિડ સંક્રમણ ફેલાવા લાગ્યું. ગયા વર્ષે માર્ચથી ઓક્ટોબરમાં લગભગ ૭,૦૦૦ કેસ નોંધાયા હતા તેની સામે માત્ર ૭૬૭ કેસ નોંધાયા હતા. ઓસ્ટ્રેલિયામાં એપ્રિલ ૨૦૧૯માં ૩૬૭ કેસની સામે આ વખતે માત્ર ૧૪ કેસ નોંધાયા હતા, જે ૯૬ ટકાનો ઘટાડો દર્શાવે છે.

સામાન્ય રીતે જૂન સુધી ફ્લૂની પીક સિઝન કહેવાય. પરંતુ આ વર્ષે એક પણ કેસ ન હતો. ઓસ્ટ્રેલિયામાં જુલાઈથી એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી.

ચીલીમાં એપ્રિલ અને ઓક્ટોબર વચ્ચે ગયા વર્ષે ૭,૦૦૦ ની સામે આ વર્ષે માત્ર ૧૨ કેસ નોંધાયા હતા.

સાઉથ આફ્રિકામાં સિઝનની શરૂઆતમાં માત્ર બે કેસ નોંધાયા હતા. તે પછીના મહિને એક પણ કેસ નોંધાયો ન હતો, જે ૯૯ ટકાનો ઘટાડો દર્શાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter