લંડનઃ યુકેમાં ગેરકાયદેસર કામ કરતા માઇગ્રન્ટ્સ સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત કોવેન્ટ્રી અને મિડલેન્ડ્સમાંથી 100 કરતાં વધુ માઇગ્રન્ટ્સની ધરપકડ કરાઇ હતી. જાન્યુઆરી મહિનામાં 131 સ્થળો ખાતે દરોડા પડાયા હતા અને 106 લોકોની ધરપકડ કરાઇ હતી.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2024ની સરખામણીમાં આ જાન્યુઆરીમાં કરાયેલી ધરપકડોમાં 34 ટકાનો વધારો થયો છે.વોર્સેસ્ટરમાં એક ટ્રાન્સપોર્ટ ડેપોમાંથી 6 ડિલિવરી ડ્રાઇવરની ધરપકડ કરાઇ હતી. અધિકારીઓએ પ્રિમાઇસિસની તપાસ કરીને કેટલાક ભારતીય નાગરિકોને ગેરકાયદેસર કામ કરતા ઝડપી લીધા હતા. તેમાંથી બેને દેશનિકાલ કરવામાં આવી રહ્યાં છે.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે, આ માઇગ્રન્ટ્સને તમે યુકેમાં વસવાટ કરી શક્શો તેવા ખોટાં વચનો આપીને ગેરકાયદેસર રીતે કામ કરાવાય છે. આ એક ભયજનક ટ્રેન્ડ છે કારણ કે તેના કારણે માઇગ્રન્ટ્સ પોતાના જીવ જોખમમાં મૂકીને ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચવાનો પ્રયાસ કરે છે.
હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે જણાવ્યું હતું કે, ઘણા લાંબાસમયથી નોકરીદાતાઓ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનું શોષણ કરતા આવ્યા છે. સરહદો પર છીંડા હોવાના કારણે મોટી સંખ્યામાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ યુકે આવીને કામ કરે છે. ઇમિગ્રેશન સિસ્ટમ, આપણી ઇકોનોમીનું શોષણ થઇ રહ્યું છે.