કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ – 3 દિવસ જ શિક્ષણ કાર્ય કરવા શાળાઓની વિચારણા

ફુગાવાના કારણે શાળાઓના બજેટ ડામાડોળ, વીજળીના ઉપયોગ પર નિયંત્રણો લાદશે

Wednesday 17th August 2022 05:46 EDT
 
 

લંડન

કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ મધ્યે શાળાઓના બજેટમાં પણ ધરખમ વધારો થતાં નવા શૈક્ષણિક વર્ષમાં દિવસોની સંખ્યા અંગે હેડ ટીચર્સ સ્કૂલ ગવર્નર્સ અને ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી રહ્યાં છે. સપ્ટેમ્બરમાં શાળાના શિક્ષકોના પગારમાં વધારો કરાશે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તેના કારણે શાળાઓના બજેટ ખોરવાઇ જશે. મિડલેન્ડ અને ઇસ્ટ એન્ગ્લિયામાં 17 શાળાનું સંચાલન કરતા ક્રિએટિવ એજ્યુકેશન ટ્રસ્ટના સીઇઓ માર્ક જોર્ડને જણાવ્યું હતું કે, નાણા બચાવવા માટે કેટલીક શાળાઓ સપ્તાહમાં ફક્ત 3 દિવસ શિક્ષણ કાર્ય કરવાની વિચારણા કરી રહી છે. એસેક્સમાં કુમારો માટેની સાઉથએન્ડ હાઇસ્કૂલના હેડમાસ્ટર ડો. રોબિન બેવન કહે છે કે હજુ કેટલીક શાળાઓ દ્વારા સપ્તાહમાં ફક્ત 4 દિવસ શૈક્ષણિક કાર્ય કરવાની વિચારણા ચાલી રહી છે. તે ઉપરાંત શાળાઓ નવી નિયુક્તિઓ નહીં કરવા, કોવિડ કેચઅપ પ્રોગ્રામો સ્થગિત કરવા, બિલ્ડિંગોમાં સુધારા બંધ કરવા જેવા પગલાં વિચારી રહી છે.

માર્ક જોર્ડને જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં એનર્જી બિલમાં 300 ટકાનો તોતિંગ વધારો થયો છે તેથી શાળાઓને વીજળીના ઉપયોગ પર આકરા નિયંત્રણો લાદવાની ફરજ પડશે. સરકારે 2024 સુધીમાં ઇંગ્લેન્ડમાં સ્કૂલ બજેટ માટે વધારાના 7 બિલિયન પાઉન્ડ ફાળવવાની જાહેરાત કરી હોવા છતાં ઇંગ્લેન્ડમાં 2010થી 2020 વચ્ચે પ્રતિ વિદ્યાર્થી ફંડિંગમાં 9 ટકાનો મોટો ઘટાડો થયો છે.

શિક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વીજળીના બિલમાં વધારો અને કર્મચારીઓના વેતનના મામલે વધેલા ખર્ચનો સામનો કરી રહેલી શાળાઓને અમે અલગ તારવી રહ્યાં છીએ. સરકાર દ્વારા સહાય મેળવતી તમામ શાળાઓએ સપ્તાહમાં 32.5 કલાક કામ કરવું જ જોઇએ. અત્યારે ઉપલબ્ધ બજેટમાંથી જ હજારો શાળાઓ સપ્તાહમાં આટલા કલાક કામ કરી રહી છે. અમને આશા છે કે હાલની ભંડોળ યોજનાઓ તેના માટે પુરતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter