લંડન
કાળઝાળ મોંઘવારીના પગલે બ્રિટનમાં લોકોને બચત અને રોકાણનું મહત્વ સમજાવા લાગ્યું છે. એક રિસર્ચ પ્રમાણે 32 ટકા લોકો નિયમિત બચત ઉપરાંત અન્યત્ર રોકાણ કરી રહ્યાં છે. બે તૃતિયાંશ લોકો તો પહેલીવાર આ રીતે મૂડીરોકાણ કરી રહ્યાં છે. લગભગ 31 ટકા લોકોનું કહેવું છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસે તેમને પોતાના નાણાને યોગ્ય જગ્યાએ રોકવા પ્રેરિત કર્યાં છે. 36 ટકા લોકો બચત ખાતા કરતાં સારું વળતર મળે તેવી ઇચ્છા રાખે છે. 41 ટકા લોકો ઇચ્છે છે કે સમયની સાથે તેમના નાણા અને સંપત્તિમાં વધારો થાય અને તેમના લાંબાગાળાના લક્ષ્યાંકો ઝડપથી પૂરા થાય તેની સંભાવનાઓ શોધી રહ્યાં છે.
ગયા વર્ષે 25થી 34 વર્ષના લોકો મૂડીરોકાણ કરે તેવી આશા હતી પરંતુ 41 ટકા લોકોએ પોતાના નાણાનું યોગ્ય વળતર મળે તે રીતે રોકાણ કર્યું હતું. 2023માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહે તેવી સંભાવના છે. 35 ટકા લોકોનું કહેવું છે કે તેમને હવે નાણાના રોકાણ માટે ગયા વર્ષ કરતાં વધુ આત્મવિશ્વાસ છે.
જોકે 19 ટકા લોકો હજુ નાણાના રોકણને યોગ્ય વિકલ્પ માનતા નથી. 34 ટકા લોકો અત્યારે મૂડીરોકાણ માટે નાણા ફાળવી શકવાની સ્થિતિમાં નથી. 30 ટકા લોકોને પોતાના નાણા ગુમાવી દેવાનો ભય છે તો 22 ટકાને હજુ મૂડીરોકાણ માટે આત્મવિશ્વાસ નથી.
મનીબોક્સના બ્રાયન બાયર્ન્સ કહે છે કે ઘણા લોકો માટે ઇન્વેસ્ટમેન્ટ હજુ દૂરની ગોટી છે. પરંતુ લોકોમાં હવે મૂડીરોકાણનો વિકલ્પ આકર્ષક બની રહ્યો છે. 34 ટકા લોકો કહે છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે અમે અમારા ફાઇનાન્સ પર વધુ નિયંત્રણ મેળવવા પ્રેરિત થયાં છીએ. 26 ટકા લોકોએ હવે ભવિષ્યની યોજના બનાવવાનું શરૂ કર્યું છે. આ પહેલાં તેઓ બચત કે મૂડીરોકાણ અંગે ક્યારેય વિચારતા નહોતા. 41 ટકા લોકોએ હવે કરકસર, બચત અને રોકાણને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે. 29 ટકા લોકો માને છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસે અમને મની મેનેજમેન્ટ શીખવી દીધું છે.

