લંડનઃ ભારત સંસ્થાનવાદના ભૂતકાળનો મુદ્દો ઉઠાવતાં બ્રિટન પાસેથી કોહિનૂર હીરો અને અન્ય હજારો મૂલ્યવાન વસ્તુઓ પરત મેળવવા માટે રાજદ્વારી અભિયાન શરૂ કરશે. બ્રિટન પાસેથી કઇ વસ્તુઓ પરત માગવી તે અંગે દિલ્હીના અધિકારીઓ તૈયારી કરી રહ્યાં છે. ભારત સરકારના મંત્રીઓ અને રાજદ્વારીઓ બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશરો દ્વારા બ્રિટન લઇ જવાયેલી હજારો કલાકૃતિઓ પરત મેળવવાના અભિયાનનો પ્રારંભ કરશે.
એમ માનવામાં આવે છે કે ભારતનો લક્ષ્યાંક કોહિનૂર હીરો પરત મેળવવાનું છે. હાલ તે હીરો બ્રિટિશ રાજવીના એક તાજમાં જડાયેલો છે. 105 કેરેટનો આ હીરો ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપાયો તે પહેલા સંખ્યાબંધ ભારતીય રાજાઓ હસ્તક રહી ચૂક્યો છે.
ભારતમાંથી બ્રિટન લઇ જવાયેલી ઐતિહાસિક કલાકૃતિઓ અને રત્નો પર દાવો કરવાનો નિર્ણય ભારતીય રાજનીતિના ટોચના નેતાઓ દ્વારા લેવાયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટોચની પ્રાથમિકતા છે. એમ માનવામાં આવે છે કે ભારત અને યુકે વચ્ચેની વિવિધ દ્વિપક્ષીય મંત્રણાઓમાં આ મામલો ઉઠાવવામાં આવશે.
ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને જણાવ્યું હતું કે, ઐતિહાસિક વારસો પરત મેળવવો એ ભારતની નીતિનો મુખ્ય હિસ્સો રહેશે. આ ઐતિહાસિક વારસો ભારત સરકાર માટે અત્યંત મહત્વનો છે. ભારતના આ વારસાને પરત લાવવા વડાપ્રધાન મોદીએ જાતે પ્રતિજ્ઞા લીધી છે અને આ તેમની ટોચની પ્રાથમિકતા છે.
ભારતીય પુરાતત્વ વિભાગ ભારત આઝાદ થયો ત્યારથી ભારત બહાર લઇ જવાયેલી મૂલ્યવાન વસ્તુઓ પરત લાવવા માટે દાવો કરવાના પ્રયાસો કરી રહ્યો છે. દક્ષિણ ભારતના એક મંદિરમાંથી બ્રિટન લઇ જવાયેલી એક કાંસાની મૂર્તિ પરત મેળવવા માટે ઓક્સફર્ડના એસ્મોલિન મ્યુઝિયમનો સંપર્ક કરાયો છે.
બ્રિટિશ શાસનમાં ભારત બહાર લઇ જવાયેલા ઐતિહાસિક વારસાને પરત મેળવવા માટે નવી દિલ્હીના અધિકારીઓ પણ અલગ પ્રયાસો કરી રહ્યાં છે. લંડન ખાતેના ભારતના રાજદ્વારીઓ પણ આ મૂલ્યવાન વારસાને પરત ભારત લઇ જવા માટે સત્તાવાર વિનંતીઓ બ્રિટિશ સરકારને કરશે.
બ્રિટનના કબજામાં રહેલો મૂલ્યવાન ભારતીય વારસો
- કોહિનૂર હીરો
- 11મી સદીની કાંસાની બનેલી નટરાજની મૂર્તિ
- બીજી-ત્રીજી સદીના મનાતા ગૌતમ બુદ્ધના પદચિહ્નો
- ટીપુ સુલતાનના સિંહાસન પરની રત્નોજડિત કલાકૃતિ
- 1820નું મહારાજા રણજિતસિંહના દરબારનું સિંહાસન
- ભગવાન હરીહરાની પ્રતિમા
- અમરાવતી માર્બલ્સ
- ઔરંગઝેબની તલવાર
- ધારની અંબિકાની પ્રતિમા
ભારત સરકાર દ્વારા આવા કોઇ પ્રયાસો શરૂ કરાયા નથીઃ સૂત્રો
ભારત સરકાર કોહિનૂર સહિતના અમૂલ્ય ભારતીય વારસાને પરત મેળવવ રાજદ્વારી અભિયાન શરૂ કરશે તેવા બ્રિટિશ મીડિયાના અહેવાલ માહિતગાર સૂત્રોએ નકારી કાઢ્યાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રીસ્તરે અને રાજદ્વારી સ્તરે પ્રયાસો શરૂ કરાયા છે તેવા અહેવાલો સાચા નથી. રિપોર્ટમાં જે અધિકારીને ટાંકવામાં આવ્યા છે તેમાં કોહિનૂર હીરાનો ઉલ્લેખ પણ કરાયો નથી.


