લંડનઃ ભારતે બ્રિટન પાસેથી કોહિનૂર હીરો પરત મેળવવાની પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કર્યો છે. તાજેતરમાં જારી કરાયેલા ભારતનીએક સંસદીય કમિટીના રિપોર્ટમાં કોહિનૂર હીરો પરત મેળવવા માટે રાજદ્વારી અને કાયદાકીય વિકલ્પો હાથ ધરવાની ભલામણ કરાઇ છે. ભારતના વિદેશ મંત્રાલયે કમિટીને જણાવ્યું હતું કે, કોહિનૂર હીરો પરત મેળવવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યાં છે. કોહિનૂર હીરો પરત મેળવવાન પ્રયાસોનું સર્વસ્વીકૃત પરિણામ આવશે તેવી આશા છે.
અત્યાર સુધીની મોટાભાગની બ્રિટિશ સરકારો અને નેતાઓએ ભારત દ્વારા થયેલી તમામ અપીલોને નકારી કાઢી છે. 2010માં નવી દિલ્હીની મુલાકાતે ગયેલા તત્કાલિન વડાપ્રધાન ડેવિડ કેમેરૂને ઘોષણા કરી હતી કે કોહિનૂર હીરો ઇંગ્લેન્ડમાં જ રહેશે. જો કોઇ એક પણ માગ સ્વીકારવામાં આવશે તો બ્રિટિશ મ્યુઝિયમો ખાલી થઇ જશે.
આ પહેલાં પણ કોહિનૂર સહિતના ઐતિહાસિક વારસાને બ્રિટન પાસેથી પરત મેળવવા મોદીસરકારે રાજદ્વારી અને મંત્રીસ્તરે પ્રયાસો શરૂ કર્યાના અહેવાલો પ્રાપ્ત થયા હતા પરંતુ ભારત સરકાર દ્વારા રદિયો અપાયો હતો. ત્યારબાદ ભારતના જ સાંસ્કૃતિ સચિવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર બ્રિટન પાસેથી અમૂલ્ય હસ્તપ્રતો પરત મેળવવા ધ્યાન કેન્દ્રિત કરશે. હવે સંસદીય કમિટી દ્વારા ભલામણ કરાતાં ભારત સરકાર દ્વારા આ પ્રયાસો વેગીલા બનાવવામાં આવે તેવી સંભાવના છે.


