કૌભાંડગ્રસ્ત મેટ્રોપોલિટન પોલીસમાં નવસંચાર કરવા સર માર્ક રોવલીની કમિશનર પદે નિયુક્તિ

અમે લંડનમાં અપરાધ ઘટાડી, જનતાને વિશ્વાસ અપાવી પોલીસ કામગીરીના ઊંચા ધોરણો સ્થાપિત કરીશું – સર માર્ક રોવલી

Wednesday 13th July 2022 03:11 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને લંડનના મેયર સાદિક ખાન દ્વારા સર માર્ક રોવલીને મેટ્રોપોલિટન પોલીસના આગામી કમિશનર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત તાજેતરમાં કરાઇ હતી. અનેક પ્રકારના કૌભાંડોમાં ઘેરાયેલી મેટ્રોપોલિટન પોલીસમાં નવો પ્રાણ પૂરવા માટે સર માર્ક રોવલીની નવા કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી હોવાનો દાવો કરાઇ રહ્યો છે. સ્કોટલેન્ડ યાર્ડની આતંકવાદવિરોધી શાખાના પૂર્વ વડા અને સરેના પૂર્વ ચીફ કોન્સ્ટેબલે મેટ્રોપોલિટન પોલીસના કમિશનરપદની રેસમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નિક એફગ્રેવને માત આપી છે. તેમનું વાષિક વેતન 2,92,000 પાઉન્ડ રહેશે. સર માર્ક રોવલી ક્રેસિડા ડિકનું સ્થાન લેવા જઇ રહ્યા છે.

ગયા મહિનામાં મેટ્રોપોલિટન પોલીસના ઇન્સ્પેક્શનમાં જણાયું હતું કે, પોલીસ વિભાગ તેની કામગીરીમાં સદંતર નિષ્ફળ જઇ રહ્યો છે. અધિકારીઓ હજારો અપરાધો નોંધવામાં નિષ્ફળ રહ્યાં હતાં. અધિકારીઓ દ્વારા અસામાજિક વર્તાવના પીડિતોની અવગણના થઇ રહી હતી. બાળકો સામેના ઓનલાઇન અપરાધોના કેસોની પણ ધરાર અવગણના કરાતી હતી. પોલીસ વિભાગની આ નિષ્ફળતાના કારણે ફેબ્રુઆરીમાં તત્કાલિન કમિશનર ક્રેસિડા ડિકને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા જ સારાહ એવરાર્ડની હત્યા સહિતની ઘટનાઓ કલંક સમાન બની રહી હતી અને મેટ્રોપોલિટન પોલીસને સંસ્થાગત ભ્રષ્ટ ગણાવવામાં આવી હતી.

સર માર્કે જણાવ્યું હતું કે, અમે સહમતિ દ્વારા પોલીસની કામગીરી સુધારવાનું મિશન શરૂ કરવા જઇ રહ્યાં છીએ. તાજેતરના વર્ષોમાં પોલીસની કામગીરી ઘણી કલંકિત બની છે. જનતાએ પોલીસ પરનો વિશ્વાસ અને ભરોસો ગુમાવી દીધાં છે. અમે જનતાને વિશ્વાસ અપાવીશું. લંડનમાં અપરાધો ઘટાડીશું અને પોલીસ કામગીરીના ઊંચા ધોરણો સ્થાપિત કરીશું. અમે લંડનમાં વસતા વિવિધ સમુદાયોની સાથે મળીને કામ કરીશું. મને સોંપાયેલી જવાબદારી માટે હું ઘણો સન્માનિત અનુભવી રહ્યો છું. દેશના હોમ સેક્રેટરી અને લંડનના મેયર પોલીસની કામગીરીમાં સુધારા માટે પ્રતિબદ્ધ છે. અમે ટેકનોલોજી અને ડેટાના ઉપયોગ અને આપણી સંસ્કૃતિ અને પોલીસના અભિગમમાં સુધારા કરીશું. અમે સમુદાયો સાથે મળીને અપરાધની સામે લડીશું. હું જાણું છું કે મોટાભાગના પોલીસ અધિકારી અને કર્મચારી અસામાન્ય પ્રતિબદ્ધતા ધરાવે છે અને ઇચ્છે છે કે અમે કંઇક સારુ કરી બતાવીએ. તેમને મદદ કરવી મારી ફરજ છે. પોલીસ વિભાગને ભ્રષ્ટ બનાવનારા સામે આકરી કાર્યવાહી પણ કરીશું.

-----------------

સર માર્ક રોવલી સન્માનનિય અને અસામાન્ય અનુભવ ધરાવતા પોલીસ અધિકારી છે. 2017ના આતંકવાદી હુમલાઓની પડકારજનક સ્થિતિમાં આતંકવાદ વિરોધી શાખાના વડા તરીકે તેમણે લંડનને માગદર્શન આપ્યું હતું. તેઓ મિડલેન્ડ અને સરેની જનતાની પણ સેવા કરી ચૂક્યાં છે. હવે તેઓ પોલીસ વિભાગની સૌથી મહત્વની જવાબદારી સ્વીકારી રહ્યા છે. પોલીસ વિભાગ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂક્યો છે ત્યારે તે પુનસ્થાપિત કરવા તેઓ અપરાધો ઘટાડવાને પહેલી પ્રાથમિકતા બનાવશે

– પ્રીતિ પટેલ, હોમ સેક્રેટરી

--------------

મેટ્રોપોલિટન પોલીસમાં શ્રેણીબદ્ધ કૌભાંડોએ પોલીસ વિભાગમાં રહેલી સમસ્યાઓને જ ઉજાગર કરી નથી પરંતુ લંડન પોલીસમાં આત્મવિશ્વાસની કટોકટી સર્જી છે. સર માર્કે મને સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ સુધારાવાદી કમિશનર બનવા પ્રતિબદ્ધ છે. તેઓ પોલીસમાં આત્મવિશ્વાસ જગાવવાની યોજના લાગુ કરવા પ્રતિબદ્ધ છે. લંડનવાસીઓ ઇચ્છે છે તેવી પોલીસકામગીરી માટે તાકિદના ધોરણે સુધારા હાથ ધરાશે. મેયર તરીકે હું તેમને સહકાર આપીશ. -

સાદિક ખાન, લંડનના મેયર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter