લંડનઃ બોરિસ જ્હોન્સને સ્વતંત્ર લોર્ડ્સ એપોઈન્ટમેન્ટ્સ કમિશનની સલાહને અવગણી એક દાયકા જૂના ‘કેસ ફોર એક્સેસ’ કૌભાંડમાં સંડોવાયેલા ટોરી દાતા અને વોટ લીવના બોર્ડ મેમ્બર પીટર ક્રુડ્ડાસને ઉમરાવપદની લહાણી કરી છે.
લોર્ડ્સમાં નવી ૧૬ નિયુક્તિ કરાઈ છે જેમાંથી ૭ ભલામણ જ્હોન્સન દ્વારા, પાંચ લેબરનેતા સર સ્ટાર્મર દ્વારા અને ચાર ક્રોસબેન્ચ નોમિનેશન્સ છે. આ યાદી સાથે હાઉસ ઓફ લોર્ડ્સની સભ્યસંખ્યા ૮૩૦ થશે જે હાઉસ ઓફ કોમન્સ કરતા ૨૦૦ વધુ છે.
પીટર ક્રુડ્ડાસે પાર્ટી ડોનેશન્સના બદલામાં ડેવિડ કેમરન સાથે મુલાકાતની સવલતો આપી હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા પરંતુ,બદનક્ષીના એક કેસમાં કોર્ટ ઓફ અપીલને આક્ષેપમાં તથ્ય જણાયું હતું. પાર્લામેન્ટરી રેકોર્ડ્સ મુજબ કૃડ્ડાસે જૂન ૨૦૧૯માં વડા પ્રધાન જ્હોન્સનને ૫૦,૦૦૦ પાઉન્ડનું દાન આપ્યું હતું જ્યારે તેઓ ટોરી પાર્ટીના નેતાપદ માટે થેરેસા મે સામે જંગે ચડ્યા હતા. ક્રુડ્ડાસે તાજેતરમાં અન્ય ટોરી સાંસદોને પણ દાન આપેલા છે.