કૌભાંડી નિરવ મોદીના પ્રત્યપર્ણ આદેશને હોમ સેક્રેટરીની મંજૂરી

Wednesday 21st April 2021 04:45 EDT
 
 

લંડનઃ યુકે સરકારે પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે આશરે ૧૪,૦૦૦ કરોડ રુપિયા (૨ બિલિયન ડોલર, આશરે ૧૩૬,૨૨૫, ૯૦૭ પાઉન્ડ)ની કરેલી છેતરપિંડી તેમજ મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલા ભાગેડું અને મોસ્ટ વોન્ટેડ હીરા-ઝવેરાતના બિઝનેસમેન હીરાના બિઝનેસમેન નિરવ મોદીના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની ભારત મુલાકાત અગાઉ જ નિરવ મોદીના પ્રત્યર્પણ આદેશની ફાઈલ પર ગુરુવાર ૧૫ એપ્રિલે હસ્તાક્ષર કરી દીધા છે. અગાઉ, વેસ્ટમિન્સ્ટર કોર્ટે નિરવ મોદીના પ્રત્યર્પણની ભારત સરકારની રજૂઆતને બહાલ રાખી હતી. ૧૯ માર્ચ ૨૦૧૯માં ધરપકડ કરાયા પછી નિરવ મોદીને સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયો છે.
હોમ ઓફિસના પ્રવક્તાએ કહ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ જજે ૨૫ ફેબ્રુઆરીએ નિરવ મોદીના પ્રત્યર્પણ કેસમાં ચુકાદો આપ્યો હતો. આના પગલે, ૧૫ એપ્રિલે એક્સ્ટ્રાડિશન ઓર્ડર પર હોમ સેક્રેટરીએ સહી કરી હતી. અગાઉ, લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે નિરવ મોદીના પ્રત્યર્પણની ભારત સરકારની રજૂઆતને બહાલ રાખી કેસ હોમ સેક્રેટરીને મોકલી આપ્યો હતો. તેના વિરુદ્ધ છેતરપિંડી, મની લોન્ડરિંગ, સાક્ષીઓને ધાકધમકી તેમજ પૂરાવા સાથે ચેડાં કરવાના આરોપો લગાવાયા હતા. અગાઉ, વેસ્ટમિન્સ્ટર ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ ૨૫ ફેબ્રુઆરીના ચુકાદામાં જણાવ્યું હતું કે મોદીએ ભારતમાં ટ્રાયલનો સામનો કરવો પડે તેવો કેસ છે. તેણે તેના ભાઈ નેહલ મોદી અને અન્યો સાથે મળીને જાહેર ક્ષેત્રની બેન્ક સાથે છેતરપિંડી કરી હતી, તેમની પાસેથી મેળવેલા નાણાનું મની લોન્ડરિંગ કર્યું હતું, પૂરાવાઓનો નાશ કરવાનું ષડયંત્ર કર્યું હતું અને સાક્ષીઓને ધાકધમકી આપી હતી. જજ ગૂઝીએ એમ પણ જણાવ્યું હતું કે નિરવ મોદીની ફર્મ્સ તથા દુબઈ અને હોંગ કોંગની બનાવટી કંપનીઓ વચ્ચે મોતી, ડાયમન્ડ્સ અને સોનાની હેરાફેરી સાચો બિઝનેસ ન હતો. વેચાણ-ખરીદ અને આયાત-નિકાસના ઓઠાં હેઠળ મેળવેલા નાણાની હેરફેર કરવા કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતમાં ન્યાય નહિ મળેની દલીલ નકારાઈ
નિરવ મોદીએ એવી દલીલ કરી હતી કે તેને ભારતમાં ન્યાય નહિ મળે. રાજકીય કારણોસર તેને હાથો બનાવાઈ રહ્યો છે. જોકે, કોર્ટે ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ માર્કંડેય કાટ્જુ સહતિના નિષ્ણાતોની જુબાની અને મોદીના વકીલોની દલીલો ફગાવી ભારતના ન્યાયતંત્રની પ્રશંસા કરી હતી. જજ ગૂઝીએ જણાવ્યું હતું કે નિરવ મોદીનું પ્રત્યર્પણ કરાશે તો તેને ન્યાય નહિ મળે તેમ દર્શાવતી કોઈ સાબિતીઓ નથી. ભારતનું ન્યાયતંત્ર નિષ્પક્ષ હોવાની ભારતની રજૂઆત સાથે તેઓ સંમત થયા હતા. ડિસ્ટ્રિક્ટ કોર્ટે કાટ્જુની જુબાની વિશ્વસનીય ન હોવાનું જણાવી કહ્યું હતું કે આખાબોલા ટીકાકાર પોતાનો આગવો એજન્ડા ધરાવે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મોદીનું પ્રત્યર્પણ હ્યુમન રાઈટ્સ એક્ટ ૧૯૯૮ના અર્થઘટનમાં કન્વેન્શન રાઈટ્સને સુસંગત છે. ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગુઝીએ ભારતના ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નિરવ મોદીને પ્રત્યર્પણ કરાશે તો તેને ન્યાય નહિ મળે તે દલીલમાં કોઈ તથ્ય નથી. કોર્ટે મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર ૧૨ની વ્યવસ્થાને નિરવ મોદી માટે યોગ્ય ગણાવી હતી. કોર્ટે નિરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની વાતને પણ ફગાવી દીધી હતી.
કરોડો રુપિયાની લોન મેળવવાની છેતરપિંડી
પંજાબ નેશનલ બેન્કની મુંબઈની બ્રીચ કેન્ડીસ્થિત શાખામાં ૨૦૧૧થી ૨૦૧૮ના સમયગાળામાં ૧૩,૬૦૦ કરોડ રુપિયાનું કૌભાંડ કરાયું હતું જેમાં, લેટર ઓફ અંડરટેકિંગ(LOU)ના માધ્યમથી બેંકના કર્મચારીઓ અને નિરવ મોદી, તેના મામા મેહુલ ચોકસી સહિતના ખાતેદારોની મિલીભગત બહાર આવી હતી. આ છેતરપિંડી ગેરન્ટી પત્ર મારફત કરવામાં આવી હતી. તેણે ખોટા LOUથી ૪૦૦૦ કરોડ રુપિયા વિદેશ મોકલ્યા અને UAE અને હોંગકોંગમાં બનાવટી કંપનીઓ ઉભી કરી મની લોન્ડરિંગ પણ કર્યું હતું.
તેની પર ભારતમાં બેંકને લગતી ગેરરીતિ અને મની લોન્ડરિંગ હેઠળ બે મુખ્ય કેસ CBI અને EDએ દાખલ કરેલા છે. આ ઉપરાંત, તેની સામે ભારતમાં અન્ય કેસ નોંધાયેલા છે. નિરવ મોદી જાન્યુઆરી ૨૦૧૮માં ભારતમાંથી ફરાર થઈ ગયા પછી લંડનમાં ૧૯ માર્ચ ૨૦૧૯માં ધરપકડ કરાયા પછી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં જ છે. તેણે ઘણી વખત જામીન મેળવવા કોશિશ કરી હતી પરંતુ, મોદીના નાસી છૂટવા તેમજ સાક્ષીઓ અને પુરાવાઓ સાથે છેડછાડ કરવાના જોખમના કારણે દરેક વખતે તેની જામીનઅરજીને ફગાવી દેવાઈ હતી.
નિરવનું નવું ઘર આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨
નિરવ મોદીને પ્રત્યર્પણ થકી ભારત લવાશે ત્યારે ૧૯ માર્ચ, ૨૦૧૯થી તેનું ઘર બનેલી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ પ્રિઝનના બદલે મુંબઈની આર્થર રોડ જેલની ૧૨ નંબરની બેરેક તેનું નવું ઘર બનશે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના ચુકાદા અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પ્રત્યર્પણ આદેશ પર કરેલા હસ્તાક્ષરના પગલે આર્થર રોડ જેલમાં મોદીને રાખવા માટેની તૈયારીઓ વધી ગઈ છે. નિરવ મોદીને બે માળની આર્થર રોડ જેલના પરિસરમાં અત્યંત સલામતી વ્યવસ્થામાં રાખવામાં આવી શકે છે. તેને જેલમાં સારું ભોજન, સ્વચ્છ પાણી, સાફ ટોઈલેટ, પથારીની સુવિધાઓ અપાય તેવી શક્યતા છે. મુંબઈની સેન્ટ્રલ જેલના ડોક્ટર પણ નિરવ માટે ઉપલબ્ધ રહેશે. ભારત સરકારે નિરવને રખાય તે ૧૨ નંબરની બેરેકની વ્યવસ્થાનું વીડિયો રેકોર્ડિંગ બ્રિટિશ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કોટડીમાં નિરવ માટે ગાદી, તકિયા, ચાદર અને કામળાની વ્યવસ્થા કરાશે. મેડિકલ જરુરિયાતના આધારે મેટલ ફ્રેમ અથવા લાકડાની બેડ પણ અપાઈ શકે છે.
૧૯૨૬માં બનેલી આર્થર રોડ જેલને ૧૯૯૪માં અપગ્રેડ કરાઈ હતી. આ સેલ બોમ્બપ્રૂફ અને બુલેટપ્રૂફ પણ હતો. કસાબ પછી આ સેલમાં હાલ ૨૬-૧૧ના કથિત આતંકી અબુ જિંદાલને રખાયો છે. દાઉદના ભાઈ ઈકબાલ કાસકર, મુસ્તફા ડોસા, યાસીન ભટકલ, શીના બોરા હત્યાકાંડની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજીના પતિ પીટર મુખરજી, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન છગન ભૂજબળ, તેના ભત્રીજા સમીર ભૂજબળ અને અભિનેતા સંજય દત્ત પણ આ સેલમાં રહી ચૂક્યા છે.
નિરવ મોદીની આપરાધિક ટાઈમલાઈન
જાન્યુઆરી ૨૦૧૮: પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે આશરે ૬,૪૯૮ કરોડ રુપિયાની છેતરપિંડી આચરી નિરવ મોદી તેના પરિવાર સાથે ભારતથી નાસી છૂટ્યો હતો. અપરાધમાં તેના સાથીદાર મામા મેહુલ ચોકસીએ PNB સાથે ૭,૦૮૦ કરોડ રુપિયાની છેતરપિંડી કરી છે અને હાલ એન્ટિગુઆ અને બારબૂડામાં છુપાયો છે. ચોકસીના પ્રત્યર્પણમાં હજુ વાર લાગશે.
જુલાઈ ૨૭,૨૦૧૮: ભારતે ફ્રોડ અને મની લોન્ડરિંગના આરોપસર નિરવ મોદીના પ્રત્યર્પણ માટે અરજી કરી.
માર્ચ ૧૯,૨૦૧૯: સ્કોટલેન્ડ યાર્ડે લંડનના મેટ્રો સ્ટેશન નજીકથી નિરવ મોદીની ધરપકડ કરી અને તેને લંડનની બહાર વોન્ડ્ઝવર્થ જેલમાં મોકલી અપાયો. તેણે ગત બે વર્ષમાં અનેક જામીન અરજીઓ કરી હતી પરંતુ, મંજૂર કરાઈ ન હતી.
મે ૨૦૨૦: વેસ્ટમિન્સ્ટર્સ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોદીના પ્રત્યર્પણ સંબંધે સંપૂર્ણ સુનાવણી શરુ કરાઈ.
ફેબ્રુઆરી ૨૫, ૨૦૨૧: મેજિસ્ટ્રેટ કોર્ટે ચુકાદો આપ્યો કે નિરવ મોદી સામે જવાબ આપવાને પાત્ર કેસ છે. તેણે અને તેના ભાઈ નેહલ મોદીએ પબ્લિક સેક્ટરની બેંક સાથે છેતરપિંડી આચરી, મેળવેલા નાણાનું મની લોન્ડરિંગ કર્યું, પુરાવાના નાશનું કાવતરું કર્યું અને સાક્ષીઓને ધાકધમકી આપી હોવાનું પણ કોર્ટે ઠરાવ્યું હતું. કેસને વિચારણા અર્તે હોમ સેક્રેટરીને મોકલી અપાયો અને તેમની પાસે પ્રત્યર્પણનો નિર્ણય કરવા બે મહિનાનો સમય છે.
એપ્રિલ ૧૫,૨૦૨૧: બે મહિનાની સમયમર્યાદા અગાઉ જ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પ્રત્યર્પણ આદેશ પર સહી કરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter