લંડનઃ શેમ્પેઈનની પાર્ટીઓ અને ખાનગી જેટ વિમાનોમાં દુબાઈના ભવ્ય પ્રવાસો થકી ઈન્વેસ્ટરોને લલચાવી તેમના નાણા ઓળવી જનારા ૫૪ વર્ષીય બિઝનેસ ટાયકૂન કેતન સોમૈયાએ વિક્રમી ૩૮.૬ મિલિયનની રકમ તેનો શિકાર બનેલા રોકાણકારો અને બ્રિટિશ કરદાતાઓને પરત કરવી પડશે. ઓલ્ડ બેઈલી કોર્ટના જજ રિચાર્ડ હોન QCના આદેશ મુજબ સોમૈયા છ મહિનામાં નાણા ન ચુકવે તો તેને વધુ ૧૬ વર્ષ જેલમાં રહેવાનું થશે. તેને છેતરપિંડીના ૧૧માંથી નવ આરોપોમાં દોષિત ઠરાવાયો હતો. સોમેયાને ગત વર્ષે જુલાઈમાં આઠ વર્ષની જેલ ફરમાવાઈ હતી. સોમૈયા કિડનીના રોગથી પીડાતો હોવાથી જેલના સળિયા પાછળ જ તેનું મૃત્યુ થવાની વધુ શક્યતા છે.
કેન્યામાં જન્મેલા કૌભાંડી કેતન સોમૈયા સંભવિત રોકાણકારોને લલચાવવા બિલિયોનેર હિન્દુજા ભાઈઓ સાથેના સંબંધોની બડાશ હાંકતો હતો. તેમને મેફેર ખાતેની પોશ ઓફિસમાં લઈ જતો અને નોર્થ લંડનના સબર્બ હેડલી વૂડમાં આવેલા ભવ્ય મકાનમાં મહેમાનનવાજી પણ કરતો હતો. વાસ્તવમાં તેની નજર રોકાણકારોના નાણા પર રહેતી હતી, જેનાથી તે ખુદની વૈભવી લાઈફસ્ટાઈલ જાળવી શકે અને નિષ્ફળ ગયેલા ધંધાઓમાં તેજી લાવી શકે.
બ્રિટિશ કાનૂની ઈતિહાસમાં આ સૌથી મોટુ ખાનગી પ્રોસિક્યુશન હતું, જેમાં સૌપ્રથમ વખત ખાનગી વ્યક્તિ એન્ટ્રેપ્રીન્યોર મુરલી મિરચંદાની વતી જપ્તી કાર્યવાહી કરાઈ હતી. તેમના વકીલ ટેમલીન એડમન્ડ્સે કહ્યું હતું કે ચુકાદાના ૨૦.૪ મિલિયન પાઉન્ડ કોર્ટ્સ અને ટ્રેઝરી તેમજ ૧૮.૨ મિલિયન પાઉન્ડ મિરચંદાનીના હિસ્સામાં જશે.
સોમૈયાએ ગયા વર્ષની ટ્રાયલના બે સપ્તાહ અગાઉ પોતાની બચાવ ટીમને ચુકવવા નાણા ન હોવાના દાવા સાથે કાનૂની સહાય માટે અરજી કરી હતી. વાસ્તવમાં તે વૈભવી રેસ્ટોરાંઓમાં જમતો હતો અને લાસ વેગાસના કેસિનોમાં બે સપ્તાહ ગાળ્યા હતા. તેણે આફ્રિકા અને દુબાઈમાં બેન્કિંગ અને હોટેલ્સમાં નાણા બનાવ્યા હતા અને કેન્યામાં હોટેલ્સની ચેઈન ચાર મિલિયન પાઉન્ડમાં વેચી હતી. છ વર્ષમાં બ્રિટનમાં રહેવા સાથે ઓનલાઈન કન્સલ્ટન્સી ધંધો ચલાવ્યો હોવા છતાં તેણે કોઈ ટેક્સ કે વેટ ચુકવ્યો ન હતો. ટેક્સ ટાળવા અને અંગત હિતલાભને છુપાવવા તેણે પરિવારના સભ્યો, મિત્રો, સ્ટાફ વગેરેને નોમિની તરીકે રાખ્યા હતા. હોટેલ, મીડિયા અને બેન્કિંગ બિઝનેસીસ પડતીના આરે આવતા સોમૈયાએ ઈન્વેસ્ટર્સને લલચાવ્યા હતા.
મિરચંદાનીએ કોર્ટ બહાર જણાવ્યું હતું કે, ‘ન્યાય માટેની મારી લડતે જીવનના ૧૫ વર્ષ લૂંટી લીધા છે. મારી મિત્ર કહેવાતી વ્યક્તિના હાથે મારા પરિવાર અને મેં અનુભવેલી છેતરપિંડી વર્ણવવા કોઈ શબ્દો નથી.’


