લંડનઃ વડા પ્રધાન જ્હોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગુનાખોરી ઘટ્યાનો દાવો કર્યો હતો જેને યુકે સ્ટેટેસ્ટિક્સ ઓથોરિટીના વડા સર ડેવિડ નોરગ્રોવે તદ્દન ખોટો ગણાવ્યો છે. જ્હોન્સન અને હોમ ઓફિસે ક્રાઈમમાં ૧૪ ટકા ઘટાડો થયાનો દાવો કર્યો હતો પરંતુ, તેમાં ઝડપથી વધતા ફ્રોડ અને સાઈબર ક્રાઈમનો સમાવેશ કરાયો નહિ હોવાનું યુકે વોચડોગે સ્પષ્ટ કર્યું હતું.
જ્હોન્સને સોમવાર ૩૧ જાન્યુઆરીએ કોમન્સ સમક્ષ જણાવ્યું હતું કે જૂન ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૧ના ગાળામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગુનાખોરી ૧૪ ટકા ઘટી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, હોમ ઓફિસના પ્રેસ રીલીઝમાં પણ આ જ સમયગાળામાં ગુનાખોરીના ઘટાડાના વલણોનું પોઝિટિવ ચિત્ર રજૂ કરાયું હતું પરંતુ, તેમાં ફ્રોડ અને કોમ્પ્યુટરના દુરુપયોગ વિશે કશું જણાવાયું ન હતું.
લિબરલ ડેમોક્રેટ પ્રવક્તા એલિસ્ટર કરમાઈકલના પત્રનો ઉત્તર આપતા યુકે સ્ટેટેસ્ટિક્સ ઓથોરિટીના વડા સર ડેવિડ નોરગ્રોવે જણાવ્યું છે કે ગેરમાર્ગે દોરતા આંકડા દર્શાવવા બદલ તેઓ જ્હોન્સન અને પ્રીતિ પટેલની ઓફિસને લખી જણાવશે. તેમણે જણાવ્યું હતું કે આંકડામાં ફ્રોડ અને સાઈબર ક્રાઈમનો સમાવેશ કરાય તો આ ગાળામાં ગુનાખોરીમાં ૧૪ ટકાનો વધારો જોવા મળે છે.
લોકડાઉન અને અન્ય કોવિડ નિયંત્રણો દરમિયાન છેતરપિંડી અને કોમ્પ્યુટરના દુરુપયોગના અપરાધો ગણનાપાત્ર રીતે ઊંચા ગયા હતા જ્યારે ચોરી સહિતના અન્ય ગુનાઓ ઘટ્યા હતા.


