ક્રિકેટ ટાયકૂન લલિત મોદીની રોયલ ફેમિલીના નામે ચેરિટીઝ સાથે છેતરપીંડી

Wednesday 18th August 2021 07:08 EDT
 
 

લંડનઃ ભારત અને વિશ્વમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને મશહૂર બનાવનારા ૫૫ વર્ષના ક્રિકેટ ટાયકૂન લલિત મોદી વિરુદ્ધ લંડનની હાઈ કોર્ટમાં ૫ મિલિયન પાઉન્ડનો કાનૂની દાવો કરવામાં આવ્યો છે. આ કેસ આગામી વર્ષની શરૂઆતે ટ્રાયલ પર આવશે. લલિત મોદીએ કેન્સર ટ્રીટમેન્ટ વેન્ચરમાં ભારે પ્રમાણમાં નાણા રોકવા ઈન્વેસ્ટર્સને સમજાવ્યા હતા અને આ માટે શાહી પરિવારના પ્રિન્સ એન્ડ્રયુ સહિતના સભ્યોનું નામ પણ વટાવ્યું હતું. જોકે, રોયલ ફેમિલીના સભ્યોને આની જરા પણ જાણકારી ન હતી. મોદી સામે મની લોન્ડરિંગના આક્ષેપો થયા બાદ તેઓ ભારતથી નાસી છૂટ્યા હતા અને યુકેમાં આશરો મેળવ્યો હતો.

લલિત મોદીએ ચેરિટી ઈન્વેસ્ટર્સને શીશામાં ઉતારવા પ્રિન્સ એન્ડ્રયુ સહિત રાજવી પરિવારના અગ્રણી સભ્યોને આયન કેર કેન્સર સ્કીમના પેટ્રન્સ તરીકે ઓળખાવ્યા હતા. આ યોજનાના અન્ય પેટ્રન તરીકે સ્પેનના કિંગ ફેલિપે અને ક્વીન લેટિઝીઆ તેમજ જોર્ડનના પ્રિન્સેસ હાયા બિન્ત હુસૈનનો પણ સમાવેશ કરાયો હતો. હકીકત એ છે કે મોદીએ આ કોઈનો સંપર્ક પણ કર્યો ન હતો. એક મહિલા ઈન્વેસ્ટરે જણાવ્યું હતું કે મોદીએ પ્રિન્સ એન્ડ્રયુને ગાઢ મિત્ર તરીકે ઓળખાવ્યા હતા અને પ્રિન્સ સાથે ડિનર પર મુલાકાત કરાવવાની ઓફર પણ કરી હતી.

લલિત મોદી ધનના ઢગલા રળી આપતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટુર્નામેન્ટની સ્થાપના કર્યા પછી મેચ ફિક્સિંગ અને ગેરકાયદે જુગાર-સટ્ટાના આક્ષેપોમાં ફસાયા હતા અને ૨૦૧૦માં લંડન આવી પહોંચ્યા હતા. મોદીનું કહેવું છે કે તેમને અપરાધી ગેન્ગ્સ દ્વારા જાનની ધમકીઓ મળ્યા પછી તેમણે ભારત છોડી દીધું હતું. પોતે કશું ખોટું કર્યાનો ઈનકાર કરતા મોદી બ્રિટનમાં વૈભવી જીવન જીવે છે. મોદીના નાણાકીય હિસાબોની તપાસ કરતી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ સહિતની એજન્સીઓ તેમનું ભારતમાં પ્રત્યર્પણ કરાવવા માગે છે. જોકે, આવી સત્તાવાર વિનંતી કરાઈ છે કે કેમ તે સ્પષ્ટ નથી.

ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ પૂર્વ ભારતીય મોડેલ અને સિંગાપુરસ્થિત વેન્ચર કેપિટાલિસ્ટ ગુરપ્રીત ગીલ માગ દ્વારા  કાનૂની કાર્યવાહી કરાઈ છે. ગુરપ્રીતે દાવો કર્યો છે કે મોદીએ તેને એપ્રિલ ૨૦૧૮માં દુબાઈની ફોર સીઝન્સ હોટેલના સ્યૂટની બેઠકમાં આયન કેર વેન્ચરમાં ૨ મિલિયન ડોલર (૧.૪ મિલિયન પાઉન્ડ)નું રોકાણ કરવા દબાણપૂર્વક સમજાવી હતી. મોદીએ લિસ્બનના ક્લિનિકમાં તેની પત્ની મિનલ પર ઉપયોગમાં લેવાયેલી ક્રાંતિકારી સિંગલ ડોઝ રેડિયોથેરાપી માટે કેન્સર સેન્ટ્ર્સના વૈશ્વિક નેટવર્કની કલ્પના કરી હતી. તેની આ યોજનાના ઈન્વેસ્ટર ડોક્યુમેન્ટ્સમાં યુએનના પૂર્વ સેક્રેટરી જનરલ કોફી અન્નાન, યુએઈના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના માલિક શેખ મનસૂર બિન ઝાયેદ અલ નાહ્યાન, થઆઈલેન્ડના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર થાકાસીન સિનાવાત્રા સહિતના માંધાતાઓનો સમાવેશ કરાયો હતો. જોકે, ૨૦૧૯ની શરૂઆતમાં આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો.

આ કેસ પ્રિન્સ એન્ડ્રયુને પણ વધુ મુશ્કેલીમાં મૂકી શકે છે. આ ઉપરાંત, પોતાના દેશમાં ન્યાયતંત્રનો સામનો નહિ કરીને નાસી છૂટનારા સાઉથ એશિયાના ધનવાન લોકોને ‘સલામત સ્વર્ગ’ પુરું પાડવાની બ્રિટનની દેખીતી તત્પરતા પણ પ્રકાશમાં આવશે. ભારતમાં ટ્રાયલનો સામનો કરવાના બદલે બ્રિટન નાસી આવેલા ધનપતિઓમાં વિજય માલ્યા, નિરવ મોદી તેમજ ભ્રષ્ટાચાર માટે જેલની સજા કરાયેલા પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter