લંડનઃ ભારત અને બ્રિટન ક્રિકેટ માટેના જુસ્સાથી સંકળાયેલા છે. ઇંગ્લેન્ડથી શરૂ થયેલી રમત ક્રિકેટ આજે ભારતની સૌથી લોકપ્રિય રમત છે. વડાપ્રધાન સ્ટાર્મર અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીએ ચેકર્સ ખાતે બકિંગહામશાયર સ્ટ્રીટ ક્રિકેટ હબ્સના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું બંને દેશ વચ્ચેના રમતવીરો વચ્ચેના સંબંધોથી ઘણો અભિભૂત છું. મેં મારા યુવા મિત્રોને ટી-20 વર્લ્ડકપમાં વિજેતા બનેલી ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોના ઓટોગ્રાફ ધરાવતું બેટ પણ ભેટમાં આપ્યું છે.
મુલાકાત દરમિયાન મોદીએ બ્રિટનનો પ્રવાસ ખેડી રહેલી ભારતીય ક્રિકેટ ટીમનો પણ પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ટેસ્ટ સીરિઝ રમાતી હોય અને તે દરમિયાન આટલી મહત્વની મુલાકાત થતી હોય ત્યારે ક્રિકેટનો ઉલ્લેખ કરવો જ પ઼ડે છે. બંને દેશ માટે ક્રિકેટ એકમાત્ર રમત નહીં પરંતુ ઝનૂન છે. ક્રિકેટ બંને દેશ વચ્ચેની ભાગીદારીનું રૂપક છે. ક્યારેક સ્વિંગ બોલ ચૂકી જવાય છે પરંતુ આપણે હંમેશા સીધા બેટથી જ રમીશું. અમે હાઇ સ્કોરિંગ અને લાંબાગાળાની ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ.


