લંડનઃ યુકેમાં માલસામાનની દાણચોરી અને માનવ તસ્કરી માટે દોષી ઠરેલી ગેંગના ભારતીય મૂળના 9 સભ્યો સામે નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા સીરિયસ ક્રાઇમ પ્રિવેન્શન ઓર્ડર જારી કરાયાં છે. દુબઇથી 15.5 મિલિયન પાઉન્ડના માલસામાનની દાણચોરી અને 17 માઇગ્રન્ટ્સની માનવ તસ્કરીના કેસમાં આ ગેંગના સભ્યોને દોષી ઠેરવવામાં આવ્યાં હતાં. હવે પછી તેઓ આ પ્રકારના ગંભીર અપરાધને અંજામ આપી ન શકે તે માટે આ ઓર્ડર જારી કરાયાં છે. દોષી ઠરેલાઓમાં સ્વન્દર ઢાલ, જસબીર કપૂર, દિલજાન મલ્હોત્રા, ચરણ સિંહ, વલજિત સિંહ, જસબીર ઢાલ સિંહ, જગિન્દર કપૂર, જકદાર કપૂર અને અમરજિત અલાબાડિસનો સમાવેશ થાય છે. તેમને લાંબી કેદની સજા ફટકારવામાં આવી છે. તેમની જેલની સજા પૂરી થયા બાદ તેમના પર આ ઓર્ડર અમલી બનશે જે અંતર્ગત તેમના પર ઘણી પાબંદીઓ લાગુ કરાશે.


