લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયના કાર્યકાળના કિંગના સૌપ્રથમ સંબોધન દરમિયાન રજૂઆત કરવાનું બહુમાન લોર્ડ ધોળકિયાને પ્રાપ્ત થયું હતું. હોમ અફેર્સ અને જસ્ટિસના મામલાઓ પર સંબોધન કરતાં લોર્ડ ધોળકિયાએ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હાઉસને રોયલ કમિશનના વચનની યાદ અપાવતાં તેમણે નોંધ્યું હતું કે, ક્રિમિનલ જસ્ટિસમાં કાયદા માટે લચર વલણ અપનાવવામાં આવી રહ્યું છે જેના કારણે કમિશન હાંસિયામાં ધકેલાઇ ગયું છે.
નોંધપાત્ર કાયદા ઘડતરના આડેધડ અભિગમથી નિરાશ એવા લોર્ડ ધોળકિયાએ દેશમાં જેલો પર સર્જાઇ રહેલા દબાણ અંગે રજૂઆત કરી હતી. તેમણે કેદીઓની વર્તમાન સંખ્યા અને યુરોપિયન સમકક્ષો કરતાં જેલોના વધુ ઉપયોગનો ઉલ્લેખ કરતાં લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, હાલમાં અંદાજિત 86000 નાગરિકો જેલમાં છે અને આ સંખ્યા 2026 સુધીમાં વધીને 98000 પર પહોંચી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટનમાં દર એક લાખની વસતીએ 132 કેદી જેલમાં છે જ્યારે આપણી સરખામણીમાં ફ્રાન્સમાં 100 કેદી અને જર્મનીમાં 70 કેદી છે. બ્રિટિશરો જર્મન કરતાં બમણા અપરાધી નથી પરંતુ આપણી સજા બમણી શિક્ષાત્મક છે.
ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને કોરી ખાતા અન્ય ઘણા મુદ્દાઓ પર ધ્યાન ખેંચતા લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, જૂન 2021માં પૂરા થયેલા 12 મહિનામાં ટૂંકાગાળાની સજા મેળવનારા કેદીઓની સંખ્યા 40 ટકા હતી. પુનર્વસનના કોઇપણ પ્રકારના ગંભીર પહલાં ન લેવાતાં હોવાના કારણે કેદીઓ માટે લાંબાગાળાની સમસ્યા સર્જાતી હોય છે, તેના પરિણામે અપરાધીને નોકરી અને ઘર ગુમાવવાનો વારો આવે છે. આ સમસ્યા ઘટવાના સ્થાને વકરતી જાય છે.
સામુદાયિક સજાના નોંધપાત્ર રીતે નીચા પુનઃઅપરાધ દરનો ઉલ્લેખ કરતાં લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં આ દર અડધાથી વધુ ઘટી ગયો છે. હવે સરેરાશ કેદની સજા 56 મહિના પર આવી ગઇ છે જે 2008માં હતી તેના કરતાં બે વર્ષ વધુ લાંબી છે. લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, સંખ્યાબંધ સ્ટડીઝમાં સામે આવ્યું છે કે વંશીય લઘુમતી સમુદાયોના અપરાધીઓ અપ્રમાણસર કસ્ટોડિયલ સજા કરવામાં આવે છે. 2017ના આંકડા પ્રમાણે અશ્વેત અપરાધીઓને જેલમાં મોકલવાની સંખ્યા 50 ટકા વધુ હતી. નોટ ગિલ્ટી અરજીઓનો દર ઘટ્યો હોવા છતાં આ સંખ્યા ઊંચી રહી હતી. એ વાતમાં કોઇ આશ્ચર્ય નથી કે કાઉન્ટીની વસતીના પ્રમાણમાં વંશીય લઘુમતી સમુદાયના લોકોની સંખ્યા પ્રમાણે જેલમાં 9000 કરતાં ઓછા લોકો હોઇ શકે જે 12 સરેરાશ કદની જેલને સમકક્ષ છે.


