લંડનઃ લોકોની હેરાફેરી કરનારાઓ યુકેમાં એસાઈલમ માગનારાઓને ક્રિશ્ચિયન બનવા સમજાવી રહ્યા છે. તેઓ એવી દલીલ કરે છે કે આમ ધર્માન્તર કરવાથી માઈગ્રન્ટ્સને ઝડપથી બ્રિટિશ નાગરિકતા મળી શકે છે. ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્ક્સનો દોરીસંચાર કરતા ગેંગસ્ટર્સ દ્વારા સોશિયલ મીડિયા રપર તેમની સેવાની જાહેરાત કરવામાં આવે છે જેમાં, એલાઈલમ સીકર્સને તેમના ધર્માન્તરથી તેમનો કેસ મજબૂત બનશે તેવી દલીલ કરાય છે.
જે અરજદારો એમ દર્શાવે કે તેઓ ચૂસ્ત- કટિબદ્ધ ક્રિશ્ચિયન છે અને તેઓ તેમના સ્વદેશ પાછા ફરશે તો તેમની નવી આસ્થાના કારણે જોખમમાં મૂકાઈ શકે તેવી દલીલ કરી શકે છે. લોકોની હેરાફેરી કરનારા નેટવર્ક દ્વારા ઈન્સ્ટાગ્રામ પર મૂકાયેલી જાહેરાત ધ ટાઈમ્સની નજરમાં આવી હતી. આ જાહેરાતમાં જણાવાયું હતું કે ઓછામાં ઓછાં સમય અને સૌથી ઓછા ખર્ચ સાથે એસાઈલમના કેસને સફળતા મળે તેવી પદ્ધતિઓમાં ક્રિશ્ચિયન ધર્માન્તર એક છે.
લિવરપૂલ સુસાઈડ બોમ્બર એમાદ અલ સ્વીલમીન અને ગયા વર્ષે રીડિંગના પાર્કમાં ત્રણ વ્યક્તિની હત્યા કરનારો ત્રાસવાદી ખારી સાદાલ્લાહ એસાઈલમ સીકર્સ હતા જેમણે ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો હતો. અલ સ્વીલમીને માર્ચ ૨૦૧૭માં લિવરપૂલ કેથેડ્રલમાં ક્રિશ્ચિયન તરીકે શપથ લીધા હતા શહેરના એન્ગ્લિકન ધર્મસભાના સભ્યોએ જણાવ્યા મુજબ તે સાચો અને પ્રતિબદ્ધ ક્રિશ્ચિયન જણાતો હતો.
જોકે, પાદરીઓના જણાવ્યા મુજબ તેઓ કોઈની જવાબદારી લઈ શકે નહિ. કોઈ ચર્ચ સમક્ષ આવે તો તેમની પાસેથી કારણો જાણવા માગીએ છીએ. માત્ર એસાઈલમ સીકર્સ નહિ, કોઈ પણ જિસસ માટે વધુ જિજ્ઞાસા દર્શાવે તેમને ખુલ્લા મનથી આવકારીએ છીએ. પાદરીઓ તેમને સ્પષ્ટ કહે છે કે તેઓ ખ્રિસ્તી બનવા માગે છે તો સારું છે પરંતુ, એસાઈલમસીકર્સ ટ્રિબ્યુનલમાં માર્ગ સરળ બનશે તેમ માની લેશો નહિ.

