લંડનઃ છેલ્લા 7 વર્ષથી કોઇપણ પ્રકારની સુનાવણી વિના ભારતની જેલમાં કેદ ક્રિશ્ચિયન માઇકલનો મુદ્દો બ્રિટિશ વિદેશ પ્રધાન ય્વેટ કૂપરે તેમના ભારતીય સમકક્ષ એસ.જયશંકર સમક્ષ ઉઠાવ્યો હતો. આ પહેલાં ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કેર સ્ટાર્મર પર માઇકલનો મુદ્દો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવી ચૂક્યા છે.
ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે જણાવ્યું છે કે, જ્યારે પણ તક મળે છે ત્યારે બ્રિટિશ સરકાર ભારત સરકાર સમક્ષ ક્રિશ્ચિયન માઇકલનો મુદ્દો ઉઠાવતી રહે છે. માઇકલના કેસનો નિવેડો ન આવે ત્યાં સુધી અમે અમારા પ્રયાસ જારી રાખીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં તત્કાલિન મનમોહનસિંહ સરકારના કાર્યકાળમાં વીવીઆઇપી ઉપયોગ માટે હેલિકોપ્ટરની ખરીદીનો ઓર્ડર અપાયો હતો જેને અગાઉની અટલ બિહારી વાજપેયીની સરકારે મંજૂરી આપી હતી. આ સોદામાં 30 મિલિયન ડોલરની કટકી અપાઇ હોવાનું સામે આવતા ક્રિશ્ચિયન માઇકલની ધરપકડ કરાઇ હતી.


