ક્રિસમસ પર તોળાતો ઓમિક્રોનનો ઓથાર

Tuesday 07th December 2021 15:07 EST
 
 

લંડનઃ વિશ્વમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાઈરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી ક્રિસમસની ઉજવણી પણ સંક્રમિત થવાના એંધાણ વર્તાય છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કેબિનેટને જણાવ્યું છે કે સુપર-મ્યુટન્ટ ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતાં વધુ ચેપી છે અને દર બીજા દિવસે તે બમણો ચેપ પ્રસરાવે છે તે જોતા થોડાં સપ્તાહોમાં જ તે પ્રભુત્વ જમાવી દેશે. આના પરિણામે, ક્રિસમસ સમયે લોકોની આઝાદી છીનવાઈ જવાનો ભય નવેસરથી સર્જાયો છે.
ડાઉનિંગ સ્ટ્રીટની સાપ્તાહિક મીટિંગ પછી વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જરૂર જણાશે તો સરકાર ઝડપી કાર્યવાહી કરશે. આના પરિણામે, જો ઓમિક્રોન ઝડપથી ફેલાશે તો ક્રિસમસની ઉજવણીમાં લોકડાઉનનું વિઘ્ન નડે તેવી શક્યતા જણાય છે. આ ઉપરાંત, સંભવિત લોકડાઉનના લીધે દેશના હોસ્પિટાલિટી, ઉદ્યોગધંધા વિગેરેને પણ અસર થવાની ચિંતા સર્જાઈ છે.
બોરિસ જ્હોન્સને કેબિનેટ સમક્ષ જણાવ્યું છે કે સુપર-મ્યુટન્ટ સ્ટ્રેઈન ખરેખર ખરાબ છે કે કેમ તે કહેવું કવેળાનું છે. પરંતુ, તે દિશામાં જઈ રહ્યો હોવાનું ચોક્કસ જણાય છે. દરમિયાન, ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડોમિનિક રાબે દાવો કર્યો છે કે મિનિસ્ટર્સ ક્રિસમસ સમયે કડક નિયંત્રણો, વર્ક ફ્રોમ હોમ અથવા વેક્સિન પાસપોર્ટ જેવા પગલાંની તૈયારી કરી રહ્યા નથી. આગામી સપ્તાહોમાં બ્રિટન સામે જોખમની ગંભીર ચેતવણીઓ છતાં સરકારની વર્ક ફ્રોમ હોમ અને વેક્સિન પાસપોર્ટ સહિત ‘પ્લાન બી’ની સ્ટ્રેટેજી વિશે મિનિસ્ટરોએ ચર્ચા કરી નહિ હોવાનું કહેવાય છે.
કોરોના મહામારીમાં લોકડાઉન્સ પછી યુકેનું અર્થતંત્ર ભાંગી પડ્યું હતું તેને બેઠું કરવામાં આંખે પાણી આવી ગયા છે. હોસ્પિટાલિટી અને એરલાઈન્સ-ટ્રાવેલ ક્ષેત્ર માંડ બેઠું થયું છે. જોકે, ઓમિક્રોનના લીધે દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં ફ્લાઈટ્સ પર પ્રતિબંધ આવી ગયો છે તેની અસર પણ નડી શકે છે. ઉદ્યોગધંધાઓને પણ વિષમ અસર થઈ શકે છે.
૪૩૭ કેસનો સૌથી મોટો ઉછાળો
સમગ્ર યુકેમાં લેનાર્કશાયર, ગ્લાસ, હાઈ લેન્ડ, ફોર્થ વેલી (સ્કોટલેન્ડ), લેન્કેસ્ટર, લિવરપૂલ (નોર્થ વેસ્ટ), નોટિંગહામ, રુટલેન્ડ (ઈસ્ટ મિડલેન્ડ્સ), ઓક્સફર્ડ (સાઉથ વેસ્ટ), કાર્ડિફ (વેલ્સ), બકિંગહામશાયર, બર્કશાયર (સાઉથ ઈસ્ટ), કેમ્બ્રીજશાયર, નોર્ફોક (ઈસ્ટ એંગ્લીઆ) અને લંડનના ૧૫ સ્થળો સહિત સાતમી ડિસેમ્બર, મંગળવારે ૨૪ કલાકનો ૪૩૭ કેસનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો જે, સોમવારની સરખામણીએ ૩૦ ટકા વધુ છે. બીજી તરફ, વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે ડેલ્ટા વેરિએન્ટના સંક્રમણ દરને પાછો પાડવામાં ઓમિક્રોનને માત્ર જાન્યુઆરીની મધ્ય સુધીનો જ સમય લાગશે. જોકે, આશાસ્પદ બાબત એ પણ જણાય છે કે નવો વેરિએન્ટ અન્યોની સરખામણીએ વધુ હળવો જણાય છે અને બ્રિટનમાં અત્યાર સુધી નોંધાયેલા કેસીસમાંથી કોઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા નથી. વિજ્ઞાનીઓ માને છે કે ઓમિક્રોન વેરિએન્ટ સંક્રમણને રોકવામાં ઓછાં અસરકારક સાબિત થશે તો પણ કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોનથી ગંભીર બીમારી અને મૃત્યુ સામે રક્ષણ આપશે.
કિંગ્સ કોલેજ લંડનના નિષ્ણાત એપિડીમીઓલોજિસ્ટ પ્રોફેસર ટિમ સ્પેક્ટરે દાવો કર્યો છે કે નવા વેરિએન્ટના કેસ દર બે દિવસે બમણા થઈ રહ્યા છે જે અગાઉની ધારણા કરતાં ઝડપી છે. વેલકમ સાંગેર ઈન્સ્ટિટ્યૂટના કોવિડ સર્વેલન્સના વડા ડો. જેફ્રી બારેટે કહ્યું હતું કે ઓમિક્રોન યુકેમાં ડોમિનન્ટ સ્ટ્રેઈન બને તે હવે મહિનાઓનો નહિ પરંતુ, ગણતરીના સપ્તાહોનો વિષય છે. વિજ્ઞાનીઓએ વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે ડેલ્ટા વેરિએન્ટને પાછો પાડવામાં ઓમિક્રોનને મધ્ય જાન્યુઆરી સુધીનો જ સમય લાગશે.
મંગળવારે બ્રિટનમાં નોન રેડ લિસ્ટ દેશમાંથી ભલે તે વેક્સિનેટેડ થયા હોય કે નહીં, તેને યુકેમાં આવવા માટે ૪૮ કલાક પહેલા જ PCR નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. હેલ્થ સેક્રેટરી જાવિદે કહ્યુ કે બે દિવસ પહેલા પીસીઆર ટેસ્ટ અને નેગેટીવ રિપોર્ટ ન આવવ સુધી આઈસોલેશન જેવા ઉપાય અસ્થાયી છે અને તેમને આગામી અઠવાડિયે રિવ્યૂ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter