લંડનઃ રશિયાએ યુરોપને અપાતા ગેસમાં વધુ કાપ મૂકવા સાથે ક્રિસમસ પહેલા જ યુકેમાં એનર્જી બિલ્સ વધીને 3850 પાઉન્ડ થવાની આશંકા સર્જાઈ છે. ગ્રાહકોને ચેતવણી અપાઈ છે કે 2024ના વર્ષમાં તો ઓછામાં ઓછાં 3500 પાઉન્ડથી વધુનું વાર્ષિક એનર્જી બિલ ચૂકવવાનું સામાન્ય થશે.
બ્રિટિશ પરિવારોએ ક્રિસમસના થોડા સમય પહેલા જ વાર્ષિક 3850 પાઉન્ડના એનર્જી બિલ્સ ચૂકવવાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેવી ચેતવણી અપાઈ છે. આ એનર્જી બિલ્સ તેઓ 2022ની શરૂઆતમાં ચૂકવતા હતા તેનાથી ત્રણ ગણું વધુ હશે. 2024માં તો વાર્ષિક 3500 પાઉન્ડ અથવા માસિક 300 પાઉન્ડથી વધુનું એનર્જી બિલ સામાન્ય ગણાતું હશે.
રશિયાની સરકારી ગેસ કંપની ગાઝપ્રોમે નોર્ડ સ્ટ્રીમ વન પાઈપલાઈનમાંથી ગેસપ્રવાહ તેની ક્ષમતાના 20 ટકા જેટલો ઘટાડી દેવાની જાહેરાત કરી હતી જેનો અમલ શરૂ કરી દેવાયો છે. ગેસપ્રવાહ ઘટવાની સાથે જ આ શિયાળામાં ડિલિવરી માટેના બ્રિટિશ જથ્થાબંધ ગેસના ભાવ 535p પ્રતિ થર્મ જેટલા ઊંચે ગયા હતા તેમજ યુરોપિયન ગેસના ભાવ પણ વધ્યા હતા.
ઓફકોમ દ્વારા દર છ મહિને ભાવમર્યાદામાં સુધારો કરાય છે પરંતુ, હવે સમયગાળો ઘટાડીને ત્રણ મહિના કરાયો છે. ઓક્ટોબર મહિનામાં ભાવમર્યાદા સરેરાશ 3420 પાઉન્ડ થવાની અને જાન્યુઆરીમાં વધીને 3850 પાઉન્ડ થવાની સંભાવના છે જેની જાહેરાત ડિસેમ્બરમાં કરાશે. શિયાળાના સૌથી ઠંડા મહિનાઓમાં માસિક 500 પાઉન્ડનું એનર્જી બિલ ચૂકવવું પડશે તેમ એનર્જી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની BFY દ્વારા જણાવાયું છે.


