ક્રિસમસ પહેલાં એનએચએસ નર્સોની દેશવ્યાપી હડતાળનું એલાન

હડતાળના કારણે હોસ્પિટલ કટોકટી વધુ ગંભીર બનવાનો ભય

Wednesday 09th November 2022 06:13 EST
 
 

લંડન

એનએચએસના ઇતિહાસમાં પહેલીવાર નર્સોની સૌથી મોટી હડતાળનું એલાન કરાયું છે. ક્રિસમસ પહેલાં આયોજિત આ હડતાળમાં જોડાવા નર્સોએ એકી અવાજે હામી ભરી હોવાનો યુનિયને દાવો કર્યો છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગના ઇતિહાસમાં પહેલીવાર યોજાનારી આ રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે ઘણા ઓપરેશન અને એપોઇન્ટમેન્ટ રદ થવાની સંભાવના છે. યુનિયનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં મોટાભાગની નર્સિંગ સેવાઓ ઠપ કરીને દેખાવો યોજાશે. દેશની 3 લાખ કરતાં વધુ નર્સોએ હડતાળના સમર્થનમાં મતદાન કર્યું છે. નર્સો દ્વારા 15 ટકા પગારવધારાની માગ કરવામાં આવી રહી છે. માર્ચ 2022માં નર્સોને ફક્ત 4 ટકા પગારવધારો અપાયો હતો.

એનએચએસના વરિષ્ઠ અધિકારીઓને ભય છે કે નર્સોની રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે દેશની હોસ્પિટલોની કટોકટી વધુ ગંભીર બની શકે છે. ઓક્ટોબરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર 70 લાખ લોકો હોસ્પિટલમાં સારવાર માટે રાહ જોઇ રહ્યાં છે. આ દેશવ્યાપી હડતાળમાં નર્સો ઉપરાંત પોર્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને ક્લીનર્સ પણ જોડાય તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter