લંડનઃ ઈંગ્લેન્ડના ૬૦ ટકા લોકોને કડક નિયંત્રણો હેઠળ મૂકાયા છે ત્યારે ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ક્રિસમસના તહેવાર નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો હળવા બનાવવામાં કોઈ ફેરફાર નહિ થાય અને લોકો ઉત્સવોને માણી શકશે. સરકાર આ બાબતે પુનર્વિચાર કરી રહી નથી. ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા કહેવાયું છે કે લોકોએ તહેવારોના સમયમાં કાળજીપૂર્વકનો આનંદ માણવો જોઈએ. જોકે આ વર્ષ ઘણા લોકો માટે મુશ્કેલ રહ્યું છે ત્યારે નિયમો મર્યાદિતપણે હળવા રાખવામાં કોઈ ફેરફાર થશે નહિ. લોકોએ સાવચેતી રાખવી આવશ્યક છે.
કોરોના વાઈરસની નવી લહેરની ચેતવણી અપાવા છતાં, સમગ્ર યુકેમાં ૨૩થી ૨૭ ડિસેમ્બર દરમિયાન ત્રણ પરિવારો સુધી બબલ્સને પરવાનગી આપવાની રાહત અપાઈ છે. વેલ્સના ચીફ મેડિકલ ઓફિસર ડો. ફ્રાન્ક એથરટને ચેતવણી જારી કરી કહ્યું છે કે,‘લોકોના જીવ બચાવવા અન્ય લોકો સાથે સંપર્કો ટાળજો. પરંપરાને ખાતર તમારા પરિવાર અને જાતને જોખમમાં મૂકશો નહિ.’

