લંડનઃ ઈંગ્લેન્ડમાં ૨ ડિસેમ્બર સુધી લાદવામાં આવેલું સેકન્ડ લોકડાઉન ક્રિસમસ સુધી લાંબુ ખેંચાઈ શકે તેવી આશંકા છે. યુવાવર્ગના ૧૦માંથી ચાર લોકોનું કહેવું છે કે તેઓ આગામી ક્રિસમસમાં લોકડાઉન નિયંત્રણોનો ભંગ કરશે. આ સાથે ૬૫થી વધુ વયના ૧૫ ટકા લોકો પણ આદેશોનું પાલન નહિ કરે તેમ YouGovના પોલના તારણોમાં સ્પષ્ટ થાય છે. ગુરુવાર ૫ નવેમ્બરથી શરુ કરાયેલા સેકન્ડ લોકડાઉનમાં પબ્સ, રેસ્ટોરાં અને બિનઆવશ્યક ચીજવસ્તુની દુકાનો બંધ કરાવાઈ છે.
YouGovના પોલના તારણો અનુસાર ૧૮-૨૪ વયજૂથના ૪૦ ટકા લોકોએ તહેવારોના દિવસોમાં નિશ્ચિતપણે નિયંત્રણોનો ભંગ કરશે તેમ જણાવ્યું હતું. આની સામે ૬૫થી વધુ વયના અડધાથી ઓછાં લોકો અથવા તો માત્ર ૧૫ ટકાએ નિયમો વિરુદ્ધ બંડ પોકારવાની તૈયારી હોવાનું કહ્યું હતું. લોકડાઉન પૂર્ણ થયા પછી મોટા ભાગના વિસ્તારોમાં ફરી ટિયર સિસ્ટમ હેઠળના નિયંત્રણો લાગી જશે.
વડા પ્રધાન જ્હોન્સને દાવો કર્યો છે કે ચાર સપ્તાહના નિયંત્રણો કોરોના વાઈરસના ફેલાવાને નીચાં લાવવા પૂરતાં થઈ રહેશે પરિણામે, આકરાં પગલાં હળવા કરી શકાશે. તેમણે કહ્યું હતું કે આગામી મહિનાથી સ્થાનિક નિયંત્રણો લાગુ કરી શકાય તેવો હેતું છે જેથી, દેશના લોકો શક્ય હોય ત્યાં સુધી નોર્મલ ક્રિસમસ ઉજવી શકે.
જોકે, ૭૬ ટકા બ્રિટિશરો માને છે કે મિત્રો અને પરિવાર સાથે મેળમિલાપ થઈ શકે તે માટે આ ગાળામાં મોટા ભાગના લોકો કોઈ પણ નિયમોનો ભંગ કરશે. બીજી તરફ, ૩૧ ટકા લોકોનું માનવું છે કે આવું ચોક્કસ થશે જ્યારે ૨૪ ટકાએ સ્વીકાર્યું હતું કે તેઓ ખુદ નિયંત્રણોનું પાલન કરશે નહિ. દર ત્રણમાંથી બે અથવા તો બહુમતી ૬૭ ટકા લોકોએ તેઓ નિયમોનું પાલન કરશે તેમ જણાવ્યું હતું.
અડધોઅડધ લોકોએ તો એમ કહ્યું હતું કે ક્રિસમસના ગાળામાં રુલ ઓફ સિક્સ અથવા તો પરિવારોના મેળમિલાપ પર પ્રતિબંધ જેવા નિયમો હોય તો તેમને વાંધો નથી. ખાસ કરીને વયોવૃદ્ધ લોકોનાં વાંધાની ઓછી શક્યતા છે. ૬૫થી વધુ વયના ૫૫ ટકા લોકો તેમજ ૧૮-૨૪ વયજૂથના માત્ર ૪૧ ટકા લોકો આની સાથે સંમત થયા હતા. આ જ રીતે ૫૮ ટકા પુરુષો અને ૪૩ ટકા સ્ત્રીઓને નિયમો સામે કોઈ વાંધો ન હતો. ૧૦માંથી ચાર બ્રિટિશરનું કહેવું હતું કે આવા નિયંત્રણો તેમની ક્રિસમસ ઉજવણીને અસર નહિ કરે. જોકે, ઉજવણી ભારે ખોરવાઈ જશે તેમ માનનારા ૨૭ ટકા સહિત બહુમતી ૫૪ ટકાનું કહેવું છે કે નિયંત્રણોની અસર નોંધપાત્ર રહેશે. ક્રિસમસની ઉજવણીને અસર થશે તેમ માનનારામાં ૬૧ ટકા સ્ત્રીઓ અને ૪૬ ટકા પુરુષો હતાં.