લંડનઃ ‘દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિયે’ કહેવત ૬૫ વર્ષીય દાદીમા ક્રિસ્ટિના પોમ્ફ્રીને બરાબર લાગુ પડે છે. તેણે પોતાને અંધ, અક્ષમ, એકલી હોવાનું જણાવી સરકારી તિજોરી પાસેથી વિવિધ બેનિફિટ્સના ક્લેઈમ્સ મારફત બે દાયકામાં ૧ મિલિયન પાઉન્ડથી વધુ રકમની છેતરપિંડી આચરી હતી. એક તબક્કે તે માસિક ૧૩,૦૦૦ પાઉન્ડ બેનિફિટ્સ તરીકે મેળવતી હતી. નવાઈની બાબત તો એ છે કે તેની સાથે ૧૫ વર્ષથી રહેતા પતિ જ્હોનને આ ઠગાઈની કદી જાણ જ થઈ ન હતી. હાલ કોરોના મહામારીના કાળમાં યુનિવર્સલ ક્રેડિટ સિસ્ટમમાં ઠગાઈ સાથેના ક્લેઈમ્સમાં ૧.૫ બિલિયન પાઉન્ડ ગુમા૩વાયા હોવાનો પણ ભય સેવાય છે.
ગત મહિને માન્ચેસ્ટર મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટના જજ સોફી મેક્કોનેએ ક્રિસ્ટિનાને ત્રણ વર્ષ અને આઠ મહિનાની જેલની સજા ફરમાવી હતી. જજે કહ્યું હતું કે,‘સાથી નાગરિકોના આ નાણા પર તારો અધિકાર ન હતો. તેં ચોરેલા નાણા શાળાઓ અને હોસ્પિટલ્સને કામે આવી શકતા હતા. ક્રિસ્ટિનાએ અગાઉના લગ્નમાંથી થયેલી પુત્રી એમી બ્રાઉનના બેન્કખાતામાં ૬ વર્ષના ગાળામાં ૯૦,૦૦૦ પાઉન્ડ જમા કરાવ્યાં હતાં જેમાંથી એમીએ ૭૧,૦૦૦ પાઉન્ડ પોતાની પાસે રાખી લીધાં હતાં. એમીને મની લોન્ડરિંગના ગુનામાં ૧૮ મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા કરી હતી.
પતિ જ્હોન પોમ્ફ્રીને પત્નીની છેતરપિંડીની જાણ થઈ જ્યારે પોલીસમેને ક્રિસ્ટિનાનું ડ્રાઈવિંગ લાયસન્સ બતાવ્યું. જ્હોને કહ્યું એમાં શું થયુ? બધા પાસે લાયસન્સ હોય છે અને ઓફિસરે કહ્યું કે અંધ વ્યક્તિને મળતું નથી ત્યારે તેને ભારે આંચકો લાગ્યો હતો. જેહોને કહ્યું હતું કે તે તો મને ડ્રાઈવિંગ કરીને લઈ જાય છે. આમ, લગ્નના ૧૫ વર્ષ પછી જ્હોનને પત્ની ‘અંધ’ હોવાનો ઢોંગ કરતી હોવાની જાણ થઈ હતી.
૬૫ વર્ષની દાદીમા ક્રિસ્ટિના પોમ્ફ્રીએ બે દાયકાના ગાળામાં કરદાતાઓ સાથે એક મિલિયન પાઉન્ડથી વધુ રકમની છોતરપિંડી કરી હતી. ક્રિસ્ટિનાએ અંધ વ્યક્તિ તેમજ મલ્ટિપલ સ્ક્લેરોસિસની દર્દી એમ બે ઓળખ રાખી હતી અને ઈન્કમ સપોર્ટ, હાઉસિંગ બેનિફિટ, ડિસેબિલિટી લિવિંગ એલાવન્સ સહિત મળતા તમામ બેનિફિટ મેળવ્યાં હતાં. એક સમયે તેણે સરેરાશ બ્રિટિશ વર્કરની કમાણી કરતાં પાંચ ગણી માસિક ૧૩,૦૦૦ પાઉન્ડની કમાણી બેનિફિટ્સ તરીકે મેળવી હતી. તેણે ત્રીજા પતિ સમક્ષ તે સંખ્યાબંધ ન્યૂઝએજન્ટ્સની મિલિયોનેર માલિક હોવાનો ગપગોળો લગાવી બેનિફિટ્સ તરીકે મળતી રકમ વસ્ત્રો, કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ અને વૈભવી કેરેબિયન રજાઓ ગાળવામાં વાપરી નાખી હતી.
ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સના તપાસકારોને શંકા જતા તેમણે ૨૦૧૭થી ક્રિસ્ટિના પર નજર રાખવી શરુ કરી હતી. તેમણે ક્રિસ્ટિનાને કાર હંકારતા, ન્યૂઝપેપર વાંચતાં અને ગ્રાન્ડન્ચિલ્ડ્રનને શાળાએથી પાછા લાવતા ગુપ્તપણે ફિલ્મો ઉતારી હતી. પોમ્ફ્રીએ તેણે ખોટું કર્યાની કબૂલાત કરી પરંતુ, જામીન પર હતી ત્યારે તેણે વધુ એક બોગસ ક્લેઈમ પણ કરી લીધો હતો.
ક્રિસ્ટિના પોમ્ફ્રીએ છેક ૨૦૦૨થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીના ગાળામાં અક્ષમતા બેનિફિટ, એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાવન્સ, હાઉસિંગ બેનિફિટ, સોશિયલ ફંડ પેમેન્ટ્સ, કાઉન્સિલ ટેક્સ બેનિફિટ, યુનિવર્સલ ક્રેડિટ સહિત સરકારી તિજોરીમાંથી કુલ ૧,૦૧૦,૦૯૦.૬૬ પાઉન્ડના ક્લેઈમ્સ મેળવ્યાં હતાં. તેણે બીજા પતિ બ્રાઉનની અટકનો ઉપયોગ કરી રનકોર્નના કાઉન્સિલ હાઉસમાંથી બેનિફિટ્સ ક્લેઈમ કર્યાં. આ પછી ત્રીજા પતિ પોમ્ફ્રીના ઓલ્ધામ બંગલા સામે તેમજ તેના નામે મોટા પાયે લોન્સ લઈ તેને પણ નવડાવી નાખ્યો હોવાનું બહાર આવ્યું છે. તેણે પોતે એકલી છે અને નાણાકીય સપોર્ટ ન હોવાનું જણાવી ઘરના કામકાજ, રાંધવા તેમજ સાફસફાઈ, બેન્કિંગ-શોપિંગમાં મદદ સહિત તમામ બાબતોમાં વધુ બેનિફિટિસ મેળવ્યાં હતાં. તેણે સગાંવહાલાં સારસંભાળ લેતાં હોવાનું જણાવતાં બનાવટી પત્રો પણ સત્તાવાળાને મોકલવા તૈયાર કર્યાં હતાં.
આ તો ક્રિસ્ટિના પોમ્ફ્રીનું એક ઉદાહરણ છે. બેનિફિટ્સની ઠગાઈ કરનારાઓને ચૂકવાયેલી રકમો ૨૦ ટકા વધીને ગયા વર્ષે ૪.૫ બિલિયન પાઉન્ડના વિક્રમી સ્તરે પહોંચી છે જે, ૭૫૦,૦૦૦ હિપ ઓપરેશન્સ અથવા બે મોટી હોસ્પિટલોના નિર્માણમાં ઉપયોગી બની શકી હોત. સૌથી ખરાબ હાલત વર્તમાન યુનિવર્લ ક્રેડિટ સિસ્ટમની છે જેમાં, ૧ માર્ચથી ૨૩ જૂનની વચ્ચે ૩.૪ મિલિયન નવા ક્લેઈમ્સ થયા છે. કોરોના મહામારીના કારણે વિશ્વાસે વહાણ અને ઓનલાઈન કામકાજ ચાલે છે ત્યારે તેના ક્લેઈમ્સમાં ૧.૫ બિલિયન પાઉન્ડ જેટલી છેતરપિંડી થયાની આશંકા છે.