લંડનઃ વેસ્ટ યોર્કશાયરમાં 12 જુલાઇ 2025ના રોજ એક હિંસક ટોળાએ હોકી સ્ટીક અને બેઝબોલ બેટથી હુમલો 39 વર્ષીય શમસ હુસૈનની કરપીણ હત્યા કરી હતી. પોલીસ અને કોર્ટના રેકોર્ડ અનુસાર ઘટનાના દિવસે માત્ર એક સામાન્ય બોલાચાલી થઈ હોવાનું પ્રાથમિક અહેવાલોમાં બહાર આવ્યું હતું પરંતુ વાસ્તવમાં આ વિવાદ એક દાયકા કરતાં પણ વધુ જૂનો હતો. હુમલાખોર ખાન અને અલી પરિવાર તથા પીડિત પક્ષના સંબંધીઓ પિલગ્રીમ ડ્રાઈવ વિસ્તારમાં ખૂબ જ નજીક રહેતા હતા. બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી સખત દુશ્મનાવટ ચાલી રહી હતી.
લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં છ અઠવાડિયા સુધી ચાલેલા લાંબી ટ્રાયલ બાદ અદાલતે સકલેન અલી (22), બાસિત અલી (32), સાકેબ અલી ખાન (33), અને ઝીશાન ખાન (19) ને હત્યાના દોષિત જાહેર કર્યા હતા જ્યારે અન્ય બે યુવકો આસીમ અકરામ (21) અને ફૈઝાન અકરામ (19) ને ગુનાહિત નરહત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અદાલતે તમામ ગુનેગારોને સંયુક્ત રીતે કુલ 75 વર્ષની જેલની સજા ફટકારી છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે પાંચ બાળકોના પિતા શમસ હુસૈન હુમલાખોરોથી બચવા પાછળ હટી રહ્યા હતા અને તેમના તરફથી કોઈ તાત્કાલિક શારીરિક ખતરો નહોતો.
પીડિત પરિવારના સભ્યોએ અદાલત દ્વારા આપવામાં આવેલી સજા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, કોઈનો જીવ લેવા બદલ માત્ર 10 વર્ષની સજા? આ ન્યાય નથી. અમે આ સજાથી અત્યંત નિરાશ છીએ.

