લંડનઃ જુલાઇ 2024માં બંધ થઇ ગયેલી ક્રોયડન પેલેસ સ્કૂલને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ 7.5 મિલિયન પાઉન્ડમાં ખરીદી લીધી છે. સંસ્થા આ સ્કૂલને ફરી શરૂ કરવાની યોજના ધરાવે છે. સાઉથ ક્રોયડનમાં મેલવિલે એવન્યૂ ખાતે આવેલી જ્હોન વિટગિફ્ટ ફાઉન્ડેશન સ્કૂલ આર્થિક સમસ્યાઓના કારણે બંધ કરી દેવાઇ હતી. આ કન્યા શાળા છેલ્લા 130 વર્ષથી કાર્યરત હતી.
નોર્થ વેસ્ટ લંડનમાં નિસ્ડનમાં મુખ્યમથક ધરાવતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છેલ્લા 40 કરતાં વધુ વર્ષથી શૈક્ષણિક સહિતની સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે. બીએપીએસે જણાવ્યું છે કે આ પ્રોપર્ટીની ખરીદી સ્થાનિક શૈક્ષણિક અને સૌહાર્દના પ્રયાસોને વેગ આપશે. સંસ્થા દ્વારા અહીં ફરી એકવાર શૈક્ષણિક પ્રવૃત્તિનો પ્રારંભ કરાશે.
આ પ્રોપર્ટીને કોમ્યુનિટી ઉપયોગ માટે તૈયાર કરાયા બાદ સ્થાનિક શાળાઓ અને સંગઠનો તેના જિમ, સ્પોર્ટ્સ ફેસિલિટી, ક્લાસ રૂમ્સ અને બહારની જગ્યાનો પણ ઉપયોગ કરી શકશે. સંસ્થા આ પ્રોપર્ટીની હાલની સુવિધાઓને વધુ આધુનિક બનાવવા માગે છે.
બીએપીએસના ટ્રસ્ટી ડો. મયંક શાહે જણાવ્યું હતું કે, અમે આ સ્થળનું ભાવિ સુરક્ષિત કરવા અને તેને એજ્યુકેશન અને કોમ્યુનિટી સ્પિરિટનું સ્થળ બનાવવા માટે કરાયેલા રોકાણથી ખુશ છીએ. અમે ઘણા વર્ષોથી અમારા સભ્યો અને સ્થાનિક સમુદાયોને મદદ કરતાં આવ્યાં છીએ. આ નવું સ્થળ અમને અમારી સેવાઓ વિસ્તારવામાં મદદરૂપ બનશે.