ક્રોયડનમાં પત્નીની ચાકૂથી હત્યા કરનાર સાહિલ શર્માને આજીવન કેદ

સ્ટુડન્ટ વિઝા પર યુકે આવેલી મહેક શર્માની ઉંમર ફક્ત 19 વર્ષ હતી

Tuesday 30th April 2024 12:21 EDT
 
 

લંડનઃ ક્રોયડનમાં 29 ઓક્ટોબર 2023ના રોજ પોતાની 19 વર્ષની પત્નીની ચાકૂ વડે હત્યા કરનાર 24 વર્ષીય સાહિલ શર્માને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાહિલ શર્મા હત્યાના થોડા જ મહિના પહેલાં પત્ની મહેક શર્માને ભારતથી લઇને યુકે આવ્યો હતો.

29 ઓક્ટોબર 2023ના રોજ સાઉથ લંડનમાં ક્રોયડન ખાતેના પોતાના નિવાસસ્થાનમાં સાહિલ શર્માએ મહેક શર્માના ગળામાં ચાકૂ મારીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેણે 999 ડાયલ કરીને મેસેજ આપ્યો હતો કે મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે. 999ના ઓપરેટરને તેણે જણાવ્યું હતું કે, મારી પત્ની મારી સાથે દગો કરી રહી હતી તેથી મેં તેની હત્યા કરી નાખી છે. હત્યાના થોડા કલાક પહેલાં સાહિલે મહેકને ટેક્સટ કરીને ધમકી આપી હતી કે તું ઘેર આવ પછી જો હું તારી સાથે શું કરું છું.

ભારતના પંજાબના ગુરદાસપુરની વતની એવી મહેક શર્મા નવેમ્બર 2022માં સ્ટુડન્ટ વિઝા પર યુકે આવી હતી અને તેનો પતિ જૂન 2023માં યુકે આવ્યો હતો. કિંગસ્ટન ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે સાહિલ શર્મા લગ્ન થયું ત્યારથી મહેક પર અત્યાચાર કરતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter