ક્લાઇમેટ ચેન્જ સામેની યુકેની નીતિઓ બદલાશે નહીઃ રિશી સુનાક

અમેરિકા અને ચીનને વાયુ ઉત્સર્જન ઘટાડવા વડાપ્રધાનની અપીલ

Tuesday 05th December 2023 11:34 EST
 
 

લંડનઃ યુએઇમાં આયોજિત સીઓપી-28 ક્લાઇમેટ સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં યુકેની નીતિઓમાં કોઇ બદલાવ આવશે નહીં. સુનાકે અમેરિકા અને ચીનને પર્યાવરણને નુકસાન કરતા વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસો વેગવંતા બનાવવા અપીલ કરી હતી. વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સમુદાયને પર્યાવરણને બચાવવાના પગલાં લેવાં આહવાન કર્યું હતું.

સુનાકે જણાવ્યું હતું કે, અમારી સરકારે એમિશન ઘટાડવાની દિશામાં અન્ય દેશો કરતાં વધુ પગલાં ભર્યાં છે. જોકે તેમણે ઘરઆંગણે નેટ ઝીરો માટેની સમયમર્યાદા લંબાવવાના નિર્ણયોને પણ ઉચિત ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક ઉત્સર્જનમાં યુકેનો હિસ્સો એક ટકા કરતાં પણ ઓછો છે. આપણે બધા માનીએ છીએ કે પર્યાવરણમાં બદલાવ થઇ રહ્યો છે અને આપણે આપણી ભાવિ પેઢીઓ માટે આપણી પૃથ્વીને સારી સ્થિતિમાં છોડી જવા માગીએ છીએ.

ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં યુકેએ 1.6 બિલિયન પાઉન્ડ આપ્યાં

દુબઇમાં આયોજિત ક્લાઇમેટ સમિટ ખાતે યુકેના એનર્જી સેક્રેટરી દ્વારા જંગલોને બચાવવા માટે ભંડોળ આપવાની જાહેરાત કરાઇ હતી. દુબઇની મુલાકાતે જતી વખતે વડાપ્રધાન રિશી સુનાક દ્વારા ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ફાઇનાન્સ માટે 1.6 બિલિયન પાઉન્ડ આપવાની જાહેરાત કરાઇ હતી. જે અંતર્ગત જંગલો બચાવવા માટેના પ્રોજેક્ટો અને રિન્યૂએબલ એનર્જીના ટ્રાન્ઝિશન માટે મદદ કરાશે. એનર્જી સિક્યુરિટી સેક્રેટરી ક્લેર કૌન્ટિન્હોએ જણાવ્યું હતું કે જંગલો બચાવવા માટે 85 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાશે જ્યારે બ્રાઝિલમાં એમેઝોનના જંગલો બચાવવા માટે 35 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter