લંડન
બ્રિટનમાં મંગળવારે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખતાં તાપમાનનો પારો 40.3 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયો. જેના પગલ નાની મોટી સેંકડો આગ ફાટી નીકળી હતી. તાપમાનમાં જોવા મળેલા આ વધારાને હવે બ્રિટનમાં નવા નોર્મલ તરીકે જોવામાં આવી રહ્યું છે અને આવનારા વર્ષોમાં આ પ્રકારના વધુ હીટવેવ આવી શકે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ફાયરબ્રિગેડના અધિકારીઓ કહે છે કે દાવાનળમાં ઘરોના વિનાશને દેશવાસીઓ અને સરકારે વેક એપ કોલ તરીકે લેવો જોઇએ. આ પ્રકારના દાવાનળ દર 3 વર્ષે જોવા મળે તેવી સંભાવના છે.
હવામાન કચેરીના સાયન્સ અને ટેકનોલોજીના વડા સ્ટીફન બેલચેરે જણાવ્યું હતું કે, દેશમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં નહીં આવે ત્યાં સુધી દર ૩ વર્ષે બ્રિટનમાં હીટવેવ આવતાં રહેશે. સરકાર ભલે નેટ ઝીરો સ્ટેટસ મામલે પોતાની ટીકાઓનો અને પર્યાવરણ મામલે પોતાની કામગીરીનો બચાવ કરી રહી હોય પરંતુ મંત્રીઓ સ્વીકારે છે કે આ પ્રકારના હીટવેવ સામે લડવાની માળખાકિય સુવિધાઓ ઊભી કરતાં વર્ષો નીકળી જશે. લંડનના મેયર સાદિક ખાન કહે છે કે જો આપણે અત્યારે જ પર્યાવરણિય કટોકટી પર આકરાં પગલાં નહીં લઇએ તો ભવિષ્યમાં લંડન અને બ્રિટને આ પ્રકારની કુદરતી હોનારતોનો સામનો કરતા રહેવું પડશે.
લંડન ફાયરબ્રિગેડને એક જ દિવસમાં 2670 કોલ મળ્યાં
ચીફ ફાયર ઓફિસર ડેવ વોલ્ટને જણાવ્યું હતું કે, સોમવાર અને મંગળવાર દેશ માટે ગેમ ચેન્જર બની રહ્યાં હતાં. ઊંચા તાપમાનના કારણે આગો ઘણી ઝડપથી પ્રસરી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર લંડનમાં ફાયરબ્રિગેડ માટે સૌથી વ્યસ્ત દિવસ રહ્યો હતો. ફાયરબ્રિગેડને આગના 2670 કોલ્સ મળ્યાં હતાં. આગના કારણે કોઇનાં મોત નોંધાયાં નહોતાં પરંતુ વેનિંન્ગ્ટનથી ડેગનહામ અને નોર્ફ્લોકથી માંડીને બાર્ન્સ્લેમાં 63 ઇમારતો આગમાં સ્વાહા થઇ ગઇ હતી. ગ્રામીણ વિસ્તારો જાણે કે વોરઝોન બની ગયાં હતાં. લંડનમાં મંગળવારે આગની સામે લડી રહેલા 16 લાશ્કરોને ઇજા પહોંચી હતી.
ગરમીથી બચવા જળાશયોમાં કૂદેલા 13 લોકોનાં મોત
બ્રિટનમાં પ્રચંડ હીટવેવ દરમિયાન ઠંડક મેળવવા માટે જળાશયો અને સ્વિમિંગ પુલમાં કૂદેલા પૈકીના 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મંત્રી કિટ મોલ્ટહાઉસે સંસદમાં જણાવ્યું હતું કે, નદીઓ, જળાશયો અને તળાવોમાં ગરમીથી રાહત માટે નહાવા પડેલા 13 લોકોનાં મોત થયાં છે. લંડનમાં આગના કારણે ઓછામાં ઓછી 41 સંપત્તિ સ્વાહા થઇ ગઇ હતી જ્યારે દેશમાં અન્યત્ર એક ડઝન કરતાં વધુ ઇમારતો રાખના ઢગલામાં તબદિલ થઇ હતી.


