ક્લાઇમેટ ચેન્જ – સદીના અંત સુધીમાં ઇંગ્લેન્ડના 80,000 મકાન દરિયામાં ગરકાવ થવાનું જોખમ

21 ગામો પર દરિયો ફરી વળશે, 584 મિલિયન પાઉન્ડની સંપત્તિ દરિયામાં સ્વાહા થઇ જશે

Wednesday 08th February 2023 06:26 EST
 
 

લંડન

ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ વિશ્વના મોટાભાગના દેશોને અસર કરી રહ્યાં છે. એક ક્લાઇમેટ એક્શન ગ્રુપ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં ચેતવણી અપાઇ છે કે બ્રિટનના દરિયા કિનારા પર આવેલા હજારો મકાનો દરિયામાં ગરકાવ થઇ જવાનું જોખમ તોળાઇ રહ્યું છે. દરિયાની સપાટીમાં થઇ રહેલા વધારાના કારણે દરિયા કિનારા પર આવેલા મકાનોનો નાશ થઇ શકે છે.

ક્લાઇમેટ ચેન્જ એડવોકેસી ગ્રુપ વન હોમના જણાવ્યા અનુસાર ઇંગ્લેન્ડના દરિયા કિનારા પર આવેલા 21 ગામો પર આ જોખમ તોળાઇ રહ્યું છે. 584 મિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવતા મકાનો દરિયામાં ગરકાવ થઇ શકે છે. એક અંદાજ પ્રમાણે વર્ષ 2100 સુધીમાં આ ગામો અને મકાનો પર દરિયાના પાણી ફરી વળશે. નેશનલ કોસ્ટલ ઇરોઝન રિસ્ક મેપિંગ દ્વારા જારી કરાયેલા આંકડાના આધારે આ નુકસાનનો અંદાજ માંડવામાં આવ્યો છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કોર્નવોલ, કમ્બ્રિયા, ડોરસેટ, ઇસ્ટ યોર્કશાયર, એસેક્સ, કેન્ટ, આઇલ ઓફ વિટ, નોર્ધમ્બરલેન્ડ, નોરફોલ્ક અને સસેક્સના દરિયા કિનારાના ગામો દરિયામાં ગરકાવ થઇ શકે છે. આ ગામોમાં આવેલી 584 મિલિયન પાઉન્ડની 2218 સંપત્તિ પર દરિયો ફરી વળવાનું જોખમ છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરિયાની સપાટીમાં થઇ રહેલા વધારાના કારણે ઇંગ્લેન્ડના દરિયા કિનારાનું ખવાણ અગાઉ કરતાં વધુ ઝડપથી થઇ રહ્યું છે. 364 વર્ષ પહેલાં તાપમાનની નોંધ રાખવાનું શરૂ કરાયું ત્યારથી અત્યાર સુધીમાં વર્ષ 2022 સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. પૃથ્વી ગરમ થવાના કારણે ચક્રવાતી તોફાનોમાં વધારો થઇ રહ્યો છે, ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યાં છે તેથી દરિયાની સપાટીમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે.

ઇંગ્લેન્ડના દરિયા કિનારાનું જે રીતે ધોવાણ થઇ રહ્યું છે તેના કારણે આ સદીના અંત સુધીમાં 80,000 જેટલાં ઘરો દરિયામાં ગરકાવ થઇ શકે છે. દરિયા કિનારાના ધોવાણ સામે ઇમારતોને હાલ કોઇ વીમા કવચ પણ પ્રાપ્ત થતું નથી. તેથી મકાન માલિકોએ તેમના મકાનના ડિમોલિશનનો ખર્ચ જાતે જ ઉઠાવવાની ફરજ પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter