ક્લાઇમેટ ચેન્જઃ 2023 યુકે માટે બીજા ક્રમનું સૌથી ગરમ વર્ષ રહ્યું

2023માં સરેરાશ કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો

Wednesday 03rd January 2024 09:12 EST
 

લંડનઃ 2023નું વીતેલું વર્ષ યુકેના ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. 2022 યુકે માટે સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. 2022ની સરખામણીએ 2023માં યુકમાં સરેરાશ તાપમાન 0.06 ડિગ્રી નીચું રહ્યું હતું. બીજીતરફ વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં 2023નું વર્ષ સૌથી ગરમ રહ્યું હતું. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જના કારણે આગામી વર્ષોમાં તાપમાન ઊંચુ નોંધાતું રહેશે.

હવામાન વિજ્ઞાની માઇક કેન્ડોને જણાવ્યું હતું કે, યુકેના હવામાન અંગેના અવલોકનો સ્પષ્ટ છે. લાંબા સમયથી ક્લાઇમેટ ચેન્જના કારણે યુકેમાં તાપમાન પર પ્રભાવ પડી રહ્યો છે. 2023નું વર્ષ પણ ગરમ રહ્યું હતું. આપણું હવામાન બદલાતું રહેશે. શિયાળા અને ઊનાળામાં તાપમાનમાં બદલાવ જોવા મળશે. તાજેતરના દાયકાઓમાં ગરમ હવામાનના ઘણા રેકોર્ડ તૂટ્યાં છે. જૂન 2023 સૌથી ગરમ મહિનો રહ્યો હતો. સપ્ટેમ્બર 2023માં પણ 33 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું હતું.

યુકેમાં તાપમાન અંગેના કેટલાક ઘણા પુરાણા રેકોર્ડ પણ ઉપલબ્ધ છે. સેન્ટ્રલ ઇંગ્લેન્ડમાં હવામાન કચેરી પાસે 1659ના વર્ષના તાપમાનના પણ રેકોર્ડ છે. 2023માં સરેરાશ વરસાદનું પ્રમાણ પણ વધ્યું હતું. સમગ્ર યુકેમાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ઇંગ્લેન્ડ અને નોર્ધન આર્યલેન્ડમાં સરેરાશ વરસાદમાં 20 ટકાનો વધારો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter