લંડનઃ વિદ્યાર્થીઓની વર્તણૂક પર ટેકનોલોજીની અસર વિશે સરકારે તપાસની જાહેરાત કરી છે ત્યારે વર્ગખંડોમાં સ્માર્ટ ફોન્સ પર પ્રતિબંધ અને આઈપેડના ઉપયોગ પર કડક નિયંત્રણો લાગી શકે છે. સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ્સ શિક્ષણમાં વિક્ષેપ પાડતાં હોવાની ફરિયાદ શિક્ષકો દ્વારા કરાઈ છે.
વિદ્યાર્થીઓને મફત ટેબ્લેટ કોમ્પ્યુટર્સ આપવા શાળાઓ દ્વારા કરદાતાઓના લાખો પાઉન્ડ ખર્ચાયા પછી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને તપાસ જાહેર કરી છે. ગયા વર્ષના અભ્યાસ મુજબ ૭૫ ટકા શાળા ટેબ્લેટ્સનો ઉપયોગ કરે છે અને ૧૦માંથી એક શાળા વિદ્યાર્થીઓને ટેબ્લેટ પૂરા પાડે છે. ઘણી શાળાઓ તો હોમવર્ક વિશેની જાણકારી પણ ટેબ્લેટ દ્વારા મોકલી આપે છે. અગાઉ, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અભ્યાસમાં જણાયું હતું કે વર્ગખંડોમાં મોબાઈલ ફોન્સ પ્રતિબંધ લદાવાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો આવે છે.