લંડનઃ નાઇજલ ફરાજના સાંસદપદેથી રાજીનામા બાદ ક્લેક્ટન પેટાચૂંટણીમાં ભાગ લેવાનો લેબર અને કન્ઝર્વેટિવ પાર્ટીએ ઇનકાર કરી દીધો છે. લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે, નાઇજલ ફરાજ કૌભાંડમાં ફસાયેલા છે અને તેઓ માત્ર ધ્યાન ભટકાવવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. આ દયનીય છે અને લેબર પાર્ટી તેમાં સહભાગી નહીં બને. કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોકે જણાવ્યું હતું કે, લોકોનું ધ્યાન ભટકાવવા માટે ફરાજ દ્વારા ઊભી કરાયેલી આ નકલી પેટાચૂંટણીમાં અમે અમારો ઉમેદવાર ઊભો રાખવાના નથી. ગ્રીન્સ અને લિબ ડેમ્સે પણ ઉમેદવાર ન ઉતારવાની જાહેરાત કરી છે.
ગિફ્ટ અંગેના વિવાદ બાદ રિફોર્મ પાર્ટીના વડા નાઇજલ ફરાજે નાટકીય ઢબે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. નાણાકીય દાનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેઓ તેમના ક્લેક્ટન મતવિસ્તારમાંથી પેટાચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું.
જો કે, અન્ય રાજકીય પ્રતિસ્પર્ધીઓએ આ પેટાચૂંટણીનો બહિષ્કાર કરતા ફરાજ માટે સંસદમાં પુનરાગમન કરવાનો માર્ગ મોકળો બન્યો હોય તેવું જણાય છે. માત્ર કૉમેડી ઉમેદવાર કાઉન્ટ બિનફેસ તેમની સામે ચૂંટણી લડશે. અન્ય મુખ્ય પક્ષોએ આ પ્રક્રિયાને માત્ર એક સ્ટંટ ગણાવીને તેમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે, જેથી ક્લેક્ટનમાં તેમની બિનહરીફ જેવી પુનઃચૂંટણી નિશ્ચિત મનાઈ રહી છે.


