ક્લેપહામના ફરાર હત્યારા એઝદીનો મૃતદેહ થેમ્સમાંથી મળ્યાનો પોલીસનો દાવો

Tuesday 20th February 2024 12:46 EST
 
 

લંડનઃ ક્લેપહામમાં માતા અને તેના સંતાનો પર કેમિકલ હુમલાના કેસમાં વોન્ટેડ એવા ફરાર આરોપી અબ્દુલ એઝદીની શોધ ચલાવી રહેલા ડિટેક્ટિવોએ જણાવ્યું હતું કે, તેમને થેમ્સ નદીમાંથી એઝદીનો મૃતદેહ મળી આવ્યો છે. સોમવારે બપોરે 4 કલાકે ટાવર પીયર નજીકથી પસાર થયેલી એક બોટના લોકોએ મૃતદેહ જોયા બાદ પોલીસને જાણ કરાઇ હતી.

મેટ્રોપોલિટન પોલીસના મરીન પોલિસિંગ યુનિટના અધિકારીઓએ મૃતદેહ મેળવ્યા બાદ તપાસ સાથે સંકળાયેલા ડિટેક્ટિવો તેની તપાસ કરી રહ્યાં છે. જોકે તેની ઓળખ સત્તાવાર રીતે જાહેર કરાઇ નથી પરંતુ સ્કોટલેન્ડ યાર્ડના જણાવ્યા અનુસાર મૃતદેહ પરથી મળી આવેલી વસ્તુઓના આધારે કહી શકાય કે તે મૃતદેહ એઝદીનો છે. કમાન્ડર જોન સાયેલે જણાવ્યું હતું કે, હુમલાના સમયે એઝદીએ પહેરેલા વસ્ત્રો અને અન્ય સામાન તેના મૃતદેહ પરથી મળી આવ્યાં છે. અમે દ્રઢપણે માની રહ્યાં છીએ કે આ મૃતદેહ એઝદીનો જ છે. અમે તેના પરિવારના સંપર્કમાં છીએ.

થેમ્સ નદીમાં પાણીના પ્રવાહના કારણે વિધિવત ઓળખ કરવી શક્ય નથી પરંતુ અમે તેના માટે ડીએનએ ટેસ્ટિંગનો સહારો લઇ રહ્યાં છીએ તેથી સત્તાવાર જાહેરાતમાં થોડો વિલંબ થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter