લંડનઃ ચાન્સેલર ક્વાસી ક્વારટેંગના કુલ 45 બિલિયન પાઉન્ડના ટેક્સકાપ ધરાવતા બજેટનો વિરોધ વધી રહ્યો છે તેની સીધી અસર YouGovના પોલમાં જોવાં મળી છે. લેબર પાર્ટીએ બે દાયકામાં પ્રથમ વખત કન્ઝર્વેટિવ્ઝ પર 17 પોઈન્ટની સરસાઈ હાંસલ કરી છે. આ પોલના તારણો અને આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપવા ટુંકા ગાળા માટે વધુ કરજ લેવાની સરકારની યોજનાને બજારોએ જે પ્રકારે અસ્થિરતાનો પ્રત્યાઘાત આપ્યો છે તેનાથી ટોરી સાંસદોના પેટમાં તેલ રેડાયું છે.
લેબરનેતા ટોની બ્લેરે 2001માં અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો તે પછી ટોરી પાર્ટીથી વિમુખ થઈ રહેલા મતદારોનો આ પ્રકારનો સપોર્ટ લેબર પાર્ટીને પહેલી વખત મળ્યો છે. બહુમતી મતદારોએ ચાન્સેલરના નિર્ણયો વિરુદ્ધ મત આપ્યો છે. ધ ટાઈમ્સ માટેના YouGov પોલમાં ચાન્સેલર દ્વારા જાહેર કરાયેલા ટેક્સમાં મોટા પાયે કાપના પગલાંનો ટોરી સમર્થકો સહિત વ્યાપક વિરોધ છતો થયો છે. 150,000 પાઉન્ડથી વધુ કમાતા લોકો માટે 45 ટકાના ટેક્સ દરને નાબૂદ કરવાના પગલાંનો વિરોધ 2019માં ટોરી પાર્ટીને સમર્થન કરનારા 69 ટકા મતદારો સહિત કુલ 72 ટકા મતદારોએ કર્યો છે. બેન્કર્સના બોનસની મર્યાદા પરના નિયંત્રણો ઉઠાવી લેવાના પગલાંને પણ 71 ટકા મતદારોએ ફગાવી દીધું છે. ટોરી મતદારોના 67 ટકાએ પણ આ પગલાનો વિરોધ કર્યો છે.
માત્ર 9 ટકા લોકોએ બજેટના આ પગલાંથી તેમની સ્થિતિ સારી થવાનો આશાવાદ દર્શાવ્યો છે. જ્યારે માત્ર 15 ટકાનો એવો મત રહ્યો છે કે તેનાથી આર્થિક વૃદ્ધિના સરકારના ધ્યેયને હાંસલ કરી શકાશે. માત્ર 19 ટકા મતદારોએ ક્વારટેંગનું બજેટ ‘વાજબી’ હોવાનું જણાવ્યું છે અને YouGov દ્વારા 2010થી આ પ્રશ્ન પૂછાવાનો શરૂ કરાયો ત્યારથી આ સૌથી ખરાબ ટકાવારી છે. સમગ્રતયા 60 ટકા લોકોએ જણાવ્યું હતું કે 45 બિલિયન પાઉન્ડના ટેક્સકાપની લહાણી દેશને પોસાય તેવી નથી અને 25 ટકાનું કહેવું છે કે સરકાર પાસે અર્થતંત્રને મેનેજ કરવાની સ્પષ્ટ યોજના છે.
ટોરીઝ માટે સપોર્ટ ઘટ્યોઃ લેબરને લાભ
YouGov સર્વેમાં જણાયું છે કે બજેટ પછી ટોરી પાર્ટીને સપોર્ટ 4 પોઈન્ટ ઘટીને 28 ટકા રહ્યો છે જ્યારે લેબરને સમર્થન 5 પોઈન્ટના વધારા સાથે 45 ટકા થયું છે. આમ, લેબર પાર્ટીને કન્ઝર્વેટિવ પાર્ટી પર 17 ટકાની સરસાઈ હાંસલ થઈ છે જ્યારે લિબ ડેમ્સ માટે 8 ટકાના સપોર્ટમાં કોઈ ફેરફાર થયો નથી. YouGov દ્વારા 2001થી કરાતાં સર્વેમાં લેબર પાર્ટીની આ સૌથી મોટી સરસાઈ છે. 2001ની ચૂંટણી વેળાએ લેબર પાર્ટીની તરફેણમાં 43 ટકા સપોર્ટ હતો અને તેણે 412 બેઠકો મેળવી હતી જ્યારે ટોરી પાર્ટીએ 30 ટકા સપોર્ટ સાથે 166 બેઠક મેળવી હતી. કન્ઝર્વેટિવ તરફે સમર્થનમાં ઘટાડાને ક્વાસી ક્વારટેંગના મિનિ બજેટના સીધા પ્રત્યાઘાત તરીકે જોવામાં આવે છે. માત્ર 10 ટકા મતદારોએ ક્વારટેંગ સારું કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે 68 ટકાએ સરકાર અર્થતંત્રને ખરાબ રીતે હલ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

