લંડનઃ કોવિડ મહામારી પછી સંપૂર્ણપણે કામકાજમાં સંકળાયેલાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય નવેમ્બર મહિનામાં ગ્લાસગો ખાતે યોજાનારી Cop26 ક્લાઈમેટ કોન્ફરન્સમાં વિશ્વના નેતાઓ સાથે જોડાશે. કોવિડ કેસીસ વધી રહ્યા હોવા છતાં મિનિસ્ટર્સ Cop26 ઈવેન્ટને આગળ વધારવા મક્કમ છે. કોન્ફરન્સમાં યુએસ પ્રમુખ જો બાઈડેન, પોપ ફ્રાન્સિસ અને ક્લાઈમેટ ચેન્જ કેમ્પેઈનર ગ્રેટા થનબર્ગ સહિત ૧૨૦ દેશના વડાઓ તેમજ હજારો ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સ દરમિયાન યુકેના આશરે ૧૦,૦૦૦ પોલીસ અધિકારીઓ દરરોજ વ્યવસ્થામાં જોડાશે.
Cop26ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ તેમજ Cop26ના પ્રેસિડેન્ટ અને મિનિસ્ટર આલોક શર્માએ ક્વીન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત કરી છે. તેઓ પહેલી નવેમ્બરે સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. ક્વીનના ઓટમ કેલેન્ડરમાં ભરપૂર કાર્યક્રમો છે. તેઓ બીજી ઓક્ટોબરે સ્કોટિશ પાર્લામેન્ટના નવા સત્રના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદોને સંબોધન કરવાના છે. તેઓ ૭ ઓક્ટોબરે બકિંગહામ પેલેસ ખાતે ૨૦૨૨ની કોમનવેલ્થ ગેમ્સ ધ ક્વીન્સ બેટન રીલેનું લોન્ચિંગ કરશે. પાંચ દિવસ પછી રોયલ બ્રિટિશ લીજિયનની સ્થાપનાને ૧૦૦ વર્ષ થવા નિમિત્તે વેસ્ટમિન્સ્ટર એબીમાં થેન્ક્સગિવિંગ સર્વિસ માટે પ્રિન્સેસ એન સાથે જોડાશે ૧૪ ઓક્ટોબરે વેલ્સ પાર્લામેન્ટના છઠ્ઠા સત્રના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.
ક્વીન પ્રકૃતિપ્રેમી સર ડેવિડ એટનબરોના કાર્ય થકી ક્લાઈમેટ ચેઈન્જ વિશે જાગૃતિપ્રસારમાં સંકળાયેલાં છે. ક્વીન ૨૦૧૮માં ITVના સ્પેશિયલ કાર્યક્રમ The Queen's Green Planet માટે સર ડેવિડ સાથે બકિંગહામ પેલેસના ગ્રાઉન્ડ પર ચાલતાં જોવાં મળ્યાં હતાં. સર ડેવિડની બીબીસી બ્લુ પ્લેનેટ સીરિઝના પ્રતિભાવમાં ક્વીને રોયલ એસ્ટેટમાંથી પ્લાસ્ટિક બોટલ્સ અને સ્ટ્રોને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જુલાઈ મહિનામાં એડિનબરામાં ક્લાઈમેટ નિષ્ણાતો સાથે બેઠક પછી ક્વીને જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાનો અર્થ છે કે આપણે જે કરી રહ્યા છીએ તેને બદલવું પડશે.