લંડન
મહારાણી એલિઝાબેથ બીજાના જીવનમાં સતત કોઇ વ્યક્તિ સાથે રહી હોય તો તે તેમના પતિ અને ડ્યુક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપ હતાં. લગભગ સાત દાયકાના રાજવી કાર્યકાળ દરમિયાન મહારાણીએ ઘણા વડાપ્રધાનો અને દરબારીઓ જોયાં પરંતુ પ્રિન્સ ફિલિપ તેમની સાથે સતત 73 વર્ષ સુધી રહ્યાં અને દરેક સ્થિતિમાં તેમની પડખે ઊભા રહ્યા. એપ્રિલ 2021માં 99 વર્ષની વયે પ્રિન્સ ફિલિપનું નિધન થયું ત્યારે આ જોડીમાં ભંગાણ સર્જાયું હતું. ગ્રીસના રાજકુમાર અને મહારાણીના દૂરના પિતરાઇ એવા પ્રિન્સ ફિલિપ સાથે બાળપણથી જ મહારાણીની અવારનવાર મુલાકાતો યોજાઇ હતી પરંતુ 13 વર્ષની ઉંમરથી જ મહારાણી પ્રિન્સ ફિલિપને પ્રેમ કરવા લાગ્યા હતા. પ્રિન્સ ફિલિપની રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં ક્ષમતાઓથી મહારાણી ઘણા પ્રભાવિત થયાં હતાં. જો કે 18 વર્ષના પ્રિન્સ ફિલિપ મહારાણીના પ્રેમને અનુભવી શક્યા નહોતાં. પ્રિન્સ ફિલિપના જ શબ્દોમાં કહીએ તો 1946 સુધી મહારાણી સાથે લગ્ન કરવાનો વિચાર તેમના મનમાં પણ આવ્યો નહોતો. બીજા વિશ્વયુદ્ધમાં પ્રિન્સ ફિલિપ બેટલ ઓફ મેટાપેનમાં એચએમએસ વેલિઅન્ટ પર મિડશિપમેન તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે મહારાણી પ્રિન્સ ફિલિપની તસવીર પોતાના ઓરડામાં રાખતા હતા. પરંતુ ત્યારપછીના વર્ષોમાં પ્રિન્સ ફિલિપની બંકિંગહામ પેલેસ, વિન્ડસર અને બાલમોરલ ખાતેની મુલાકાતો દરમિયાન બંને વચ્ચેનો પ્રેમ સંબંધ પાંગર્યો હતો.
જોકે રાજવી પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો. કિંગ જ્યોર્જ છઠ્ઠા માનતા હતા કે તેમની દીકરી લગ્ન માટે હજુ ઘણી નાની છે. તેમની દીકરી પોતાના જીવનમાં આવેલા પ્રથમ પુરુષ સાથે લગ્ન કરવા માગે છે તે જાણીને તેઓ નિરાશ થયા હતા. ક્વીન મધર એવા ક્વીન એલિઝાબેથ પ્રિન્સ ફિલિપને હૂણ એટલે કે ડેનિશ, રશિયન અને જર્મન મૂળની વ્યક્તિ સમજતા હતા. મહારાણીના ભાઇ ડેવિડ બોવેસ લિયોને પ્રિન્સ ફિલિપને જર્મન ગણાવીને નકારી કાઢ્યા હતા. રાજાના દરબારના લોકો પણ પ્રિન્સ ફિલિપને સજ્જન માનતા નહોતા. તેઓ તેમને ટ્યુટોનિક વંશના ગણાવતતા હતા. બ્રિટનમાં ટ્યુટોનિક વંશના લોકોને ઉદ્ધત, અશિક્ષિત અને અવિશ્વસનિય માનવામાં આવતા હતા.
પરંતુ મહારાણી એલિઝાબેથ બીજા તેમના પ્રેમ પર મક્કમ હતા. બીજા વિશ્વયુદ્ધ બાદ એક જર્મન મૂળની વ્યક્તિ સાથેના લગ્ન અઘરાં બની રહ્યાં હતાં. પ્રિન્સ ફિલિપ પાસે એવો કોઇ રાજવી દરજ્જો પણ નહોતો પરંતુ તેમના અંકલ લોર્ડ માઉન્ટબેટને પ્રિન્સ ફિલિપને પોતાની અટક આપીને એક દરજ્જો આપ્યો હતો. આખરે નવેમ્બર 1947માં મહારાણી એલિઝાબેથ બીજા અને પ્રિન્સ ફિલિપ લગ્નગ્રંથિથી જોડાયાં હતા. લગ્ન બાદ પ્રિન્સ ફિલિપને ડ્યુક ઓફ એડિનબરોનો દરજ્જો અપાયો હતો. બંને વચ્ચેનો આ સંબંધ જાણે કે અનંતકાળ માટે સર્જાયો હોય તેમ લાગતું હતું. પ્રિન્સ ફિલિપ જીવનની દરેક તડકી અને છાંયડીમાં મહારાણીનો પડછાયો બનીને તેમની પડખે રહ્યાં અને આખરે એપ્રિલ 2021માં પ્રેમી પંખીડાની આ જોડી તૂટી હતી. 74 વર્ષનું લગ્નજીવન અત્યંત આશીર્વાદિત રહ્યું અને તે દરમિયાન તેમને ચાર સંતાનોની ભેટ મળી હતી.


