લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને ડ્યૂક ઓફ એડિનબરાએ કોવિડ-૧૯ વેક્સિન મેળવી હોવાનું બકિંગહામ પેલેસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. શાહી પેલેસના સૂત્રોએ જણાવ્યા અનુસાર વિન્ડસર કેસલમાં પરિવારના ડોક્ટર દ્વારા શનિવાર, ૯ જાન્યુઆરીએ ક્વીન અને ડ્યૂકને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. જોકે, શાહી દંપતીને કઈ કંપનીનું વેક્સિન અપાયું છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પેલેસના સૂત્રોએ ઉમેર્યું હતું કે શાહી દંપતીના વેક્સિનેશન અંગે અટકળો ન થાય તે માટે ક્વીને તેમના વેક્સિનેશનના સમાચાર જાહેર કરવા નિર્ણય લીધો હતો. યુકેમાં અત્યાર સુધી ૧.૫ મિલિયન લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે તેમાં ૯૪ વર્ષના ક્વીન અને ૯૯ વર્ષના પ્રિન્સ ફિલિપનો પણ સમાવેશ થયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. યુકેમાં વેક્સિનેશન માટે ૮૦ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ હાઈ પ્રાયોરિટી ગ્રૂપમાં રખાઈ છે.
શાહી દંપતી સાન્ડ્રિંઘામમાં પરંપરાગત શાહી પારિવારિક મિલ યોજવાના બદલે તેમના બર્કશાયરના નિવાસમાં શાંતિપૂર્વક ક્રિસમસની ઉજવણી પછી લોકડાઉનના ગાળામાં ઈંગ્લેન્ડના વિન્ડસર કેસલમાં સમય વીતાવી રહ્યાં છે. ક્વીને કોરોના મહામારીમાં માર્ચથી ઓક્ટોબરના ગાળામાં શાહી નિવાસની બહાર કોઈ જાહેર સમારંભ કે કાર્યક્રમમાં હાજરી આપી નથી.
ઉલ્લેખનીય છે કે આ સમયગાળામાં પ્રિન્સ ચાર્લ્સને હળવા લક્ષણો સાથે કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. પેલેસના સૂત્રો મુજબ પ્રિન્સ વિલિયમ પણ એપ્રિલમાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.


