લંડનઃ મેગ્ઝિટ પછી સૌપ્રથમ વખત ૯૩ વર્ષીય દાદીમા ક્વીન અને પ્રિન્સ હેરી વચ્ચે રવિવાર, પહેલી માર્ચે વિન્ડસર કેસલમાં ચાર કલાક લાંબી લાગણીસભર મુલાકાત યોજાઈ હતી. શાહી સૂત્રોના જણાવ્યા અનુસાર ક્વીને તેમના પૌત્રને કહ્યું હતું કે તેને પાછા ફરવામાં હંમેશા આવકાર મળશે. ક્વીને પ્રપૌત્ર આર્ચીને જોવામાં આનંદ મળશે.
આ મુલાકાતમાં દાદી અને પૌત્ર વચ્ચે ઘણી ગેરસમજો દૂર થઈ હતી. જો હેરી ફરી ફ્રન્ટલાઈન શાહી ફરજો બજાવવા ઈચ્છે તો તેનું સ્વાગત છે તેમ પણ ક્વીને જણાવ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું. હેરીએ દાદીમાને મળવાની વિનંતી કર્યા પછી મહારાણીએ ડ્યૂક ઓફ સસેક્સને રવિવારે લંચ કરવા બોલાવ્યા હતા. એમ મનાય છે કે પ્રિન્સ હેરી હોમ પાર્કમાં ફ્રોગમોર કોટેજથી વિન્ડસર કેસલ સુધી લગભગ બે માઈલ ચાલતા ગયા હતા.
ક્વીને મુલાકાતના અંતે હેરીને કહ્યું હતું કે તેને ‘ઘણો પ્રેમ કરીએ છીએ અને પાછા ફરવામાં તેમનું હંમેશાં સ્વાગત છે.’ ક્વીને પણ હેરી સાથે ઘણી વાતો કરવાની હતી અને બંને પાસે એકબીજાને કહેવા માટે પૂરતો સમય હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે વાતચીત મોકળાં વાતાવરણમાં થઈ હતી. નોર્થ અમેરિકા જવાના હેરી અને મેગનના નિર્ણયથી ક્વીન ઘણાં વ્યથિત હતાં અને નવ મહિનાના ગ્રેટ ગ્રાન્ડસન આર્ચીને વધુ મળવાનું તેમને ગમશે તેમ પણ કહ્યું હતું.
પ્રિન્સ હેરી અને મેગન આ મહિને આખરી ફરજ બજાવવા આવી રહ્યા છે. તેઓ આગામી સપ્તાહે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કોમનવેલ્થ ડે સર્વિસ માટે ક્વીન, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન સાથે જોડાશે.